ચૂંટણીનો માર, મોંઘવારી બેફામ, પાંચ દિવસમાં બીજી વખત પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધ્યા

Spread the love

દિલ્હીમાં પણ પેટ્રોલ 98.64 રૂપિયા અને ડીઝલ 91.58 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું

એસવીએન, નવી દિલ્હી

આજના સમયમાં સવારે ઉઠતાની સાથે જ જો કોઈ સમાચાર મિડલ ક્લાસ પરિવારનું આખું બજેટ હલાવી નાખતા હોય, તો તે છે ઈંધણના ભાવ. જો તમે વિચારતા હોવ કે ગત શુક્રવારે થયેલો ભાવવધારો છેલ્લો હતો, તો તમે ખોટા છો. સરકારે માત્ર 5 જ દિવસમાં જનતાને બીજો મોટો આંચકો આપતા ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક બજારની ઉથલપાથલની સીધી અસર હવે સામાન્ય ભારતીયના ખિસ્સા પર દેખાવા લાગી છે.  

5 જ દિવસમાં બીજી વખત વધારો

ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં આશરે 90 પૈસા સુધીનો વધારો કર્યો છે. હજુ ગત શુક્રવારે જ દેશભરમાં લિટર દીઠ 3 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો હતો. આ સતત બીજા વધારા બાદ દેશના મુખ્ય મેટ્રો શહેરોમાં કિંમતો નવી સપાટીએ પહોંચી ગઈ છે. સૌથી મોટો ઝટકો કોલકાતાને લાગ્યો છે, જ્યાં પેટ્રોલના ભાવમાં 96 પૈસાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં પણ પેટ્રોલ 98.64 રૂપિયા અને ડીઝલ 91.58 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. 

જીવન-જરૂરી ચીજવસ્તુના ભાવ પણ વધશે

શુક્રવારે પેટ્રોલ-ડીઝલની સાથે દિલ્હીમાં CNG ના ભાવમાં પણ 2 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો હતો જે બાદ જુદા જુદા શહેરોમાં CNGનો ભાવ 87 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે. ટ્રાન્સપોર્ટ અને ટ્રેડિંગ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આ વધારાની સીધી અસર ટૂંક સમયમાં જ શાકભાજી, દૂધ અને કરિયાણા જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ પર જોવા મળશે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 111 ડોલરને પાર કરી ગયો છે, જ્યારે WTI ક્રૂડ પણ 107 ડોલર વટાવી ચૂક્યું છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% ક્રૂડ ઓઈલ બહારથી આયાત કરે છે, તેથી વૈશ્વિક બજારમાં થતી નાની સળવળાટ પણ ભારતમાં મોટો ભૂકંપ લાવી શકે છે. 

અમેરિકાના પ્રતિબંધની આસર

ભારત છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ મેળવીને પોતાના ઘરેલું બજારને મોંઘવારીથી બચાવી રહ્યું હતું. પરંતુ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયાના સમુદ્રી ઓઈલ પર આપવામાં આવેલી કામચલાઉ પ્રતિબંધ મુક્તિ શનિવારે સમાપ્ત થઈ ગઈ છે. આ સપ્લાય કવચ નબળું પડતાં જ ભારતીય ઓઈલ કંપનીઓ પર દબાણ વધી ગયું છે, કારણ કે તેમણે હવે મોંઘા વૈશ્વિક દરો પર ઓઈલ ખરીદવું પડશે. આ જ કારણ છે કે મહિનાઓ સુધી કિંમતો સ્થિર રાખ્યા બાદ હવે કંપનીઓ ઉપરાઉપરી ભાવ વધારી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *