નવી પાર્ટીની અટકળો વચ્ચે દિલ્હીમાં વ્યસ્ત બેઠકો, AIADMK સાથેના ગઠબંધનથી અસંતોષ હોવાની ચર્ચા

એસવીએન,ચેન્નાઈ
તમિલનાડુના પૂર્વ BJP પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ ફરી એકવાર રાજ્યના રાજકીય કેન્દ્રબિંદુ બન્યા છે. નવી રાજકીય પાર્ટીની સંભાવનાઓ અને ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈની તાજેતરની રાજકીય ગતિવિધિઓએ રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા તેજ કરી છે.
ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચેલા અન્નામલાઈની ગાડી પર BJPનો ઝંડો ન જોવા મળતાં અટકળોને વધુ બળ મળ્યું હતું. હાલ તેઓ દિલ્હીમાં છે, જ્યાં તેમણે BJPના રાષ્ટ્રીય નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરી છે. દિલ્હી જતાં પહેલાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે નવી પાર્ટી અંગે સીધી સ્પષ્ટતા કર્યા વિના કહ્યું હતું કે, “બે દિવસ રાહ જુઓ, પછી વિગતવાર વાત કરીશું.”
સમર્થકોના પોસ્ટરોથી અટકળોને મળ્યું બળ
અન્નામલાઈ અથવા તેમના નજીકના વર્તુળ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, છતાં તેમના સમર્થકો દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પોસ્ટરોમાં “અમારા નેતા, આવો અને નેતૃત્વ કરો” જેવા સંદેશાઓ લખાયેલા જોવા મળ્યા હતા, જેને રાજકીય સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે.
IPSથી રાજકારણ સુધીનો સફર
2011 બેચના પૂર્વ IPS અધિકારી અન્નામલાઈએ સરકારી સેવા છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 2021ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી શક્યા નહોતા. 2026ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવાર પણ નહોતા, છતાં રાજ્યના સૌથી ચર્ચિત રાજકીય ચહેરાઓમાં તેમની ગણના થાય છે.
સન્માનજનક વિદાય અને નવા રાજકીય પ્રયોગની ચર્ચા
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે અન્નામલાઈ ભાજપ સાથે કોઈ જાહેર વિવાદ વિના પોતાનો અલગ રાજકીય માર્ગ પસંદ કરવા માંગે છે. સૂત્રો મુજબ તેઓ ‘રાષ્ટ્રવાદી તમિલ દર્શન’ના વિચાર પર આધારિત એક સામાજિક-રાજકીય આંદોલન શરૂ કરી શકે છે, જે ભવિષ્યમાં રાજકીય પક્ષનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
માનવામાં આવે છે કે 7 જૂને તેઓ પોતાના સમર્થકો સાથે બેઠક કરીને આગામી રાજકીય વ્યૂહરચનાની જાહેરાત કરી શકે છે.
વિજય સામે રાજકીય વિકલ્પ બનવાની તક
તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી TVKએ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકીય ચર્ચાઓમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. તેના કારણે પરંપરાગત દ્રવિડ રાજકારણને પડકાર ઉભો થયો છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અન્નામલાઈ પોતાને વિજયના વિકલ્પ તરીકે સ્થાપિત કરવાની તક શોધી રહ્યા છે. જોકે નવી પાર્ટી ઉભી કરવી સરળ નથી. અગાઉ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી જેવા નેતાઓએ પણ અલગ રાજકીય ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે તેમને ફરી BJPમાં પરત ફરવું પડ્યું હતું.
AIADMK સાથેના ગઠબંધનથી અસંતોષની ચર્ચા
અન્નામલાઈ લાંબા સમયથી તમિલનાડુમાં BJP અને AIADMK વચ્ચેના ગઠબંધન અંગે સાવચેત અભિગમ ધરાવતા હોવાનું માનવામાં આવે છે. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ રાજ્યમાં BJPને સ્વતંત્ર રાજકીય શક્તિ તરીકે ઉભી કરવા તરફેણમાં હતા.
2026ની ચૂંટણી પહેલાં તેમના સ્થાને નૈનાર નાગેન્દ્રનની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમ છતાં અન્નામલાઈ NDAના મુખ્ય પ્રચારકોમાં સામેલ રહ્યા હતા અને તેમની જાહેર સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા રહ્યા હતા.
અન્નામલાઈના નેતૃત્વમાં વધ્યો હતો BJPનો વોટ શેર
અન્નામલાઈની ‘એન મન્ન, એન મક્કલ’ પદયાત્રાએ રાજ્યમાં BJPને નવી ઓળખ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન પાર્ટીનો વોટ શેર નોંધપાત્ર રીતે વધ્યો હતો, જેના કારણે તેઓ રાજ્યમાં BJPના સૌથી લોકપ્રિય ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા.
રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે અન્નામલાઈની લોકપ્રિયતા માત્ર હિંદુત્વની રાજનીતિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેઓ દ્રવિડ રાજકીય મુદ્દાઓને પણ અસરકારક રીતે ઉઠાવતા રહ્યા છે, જેના કારણે યુવા મતદારોમાં તેમની સારી પકડ જોવા મળે છે.
BJP નેતૃત્વ સામે બે વિકલ્પો?
સૂત્રોના જણાવ્યા મુજબ અન્નામલાઈએ પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ બે વિકલ્પો મૂક્યા હોવાનું કહેવાય છે. પ્રથમ, તેમને લાંબા ગાળા માટે સંપૂર્ણ સ્વાયત્તતા સાથે તમિલનાડુ BJPનું નેતૃત્વ સોંપવામાં આવે. બીજો, તેમને પોતાનો અલગ રાજકીય માર્ગ પસંદ કરવાની છૂટ આપવામાં આવે.
હાલ સુધી BJP કે અન્નામલાઈ તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ આગામી થોડા દિવસોમાં તેમની રાજકીય દિશા સ્પષ્ટ થઈ શકે છે, જે તમિલનાડુની રાજનીતિ તેમજ BJP માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
