આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે ઉદ્ઘાટન; 2,400 વિદ્યાર્થીઓને મળશે આધુનિક શિક્ષણની સુવિધા

સુરત
સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્વ (વરાછા) ઝોન-A વિસ્તારમાં પુણા તળાવ પાસે રૂ. 7.78 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. 2734 ચોરસ મીટર વિસ્તારમાં નિર્મિત ગ્રાઉન્ડ ફ્લોર તથા ત્રણ માળની આ શાળામાં ધોરણ 9થી 12ના અંદાજે 2,400 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે.
અદ્યતન સુવિધાઓથી સજ્જ શાળા
શાળામાં 24 વિશાળ ક્લાસરૂમ, પ્રિન્સિપાલ અને સ્ટાફ રૂમ, કોમ્પ્યુટર લેબ, AI લેબ, લાયબ્રેરી રૂમ તેમજ મલ્ટીપર્પઝ હોલ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ પૂરું પાડશે.
શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ
પ્રસંગે પ્રફુલભા પાનશેરિયાએ જણાવ્યું હતું કે નવી શાળાના નિર્માણથી વિસ્તારના મધ્યમવર્ગીય અને નિમ્ન મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ મળશે અને તેમના ભવિષ્ય તથા કારકિર્દીના ઘડતરમાં મદદરૂપ બનશે.
આગેવાનો રહ્યા ઉપસ્થિત
કાર્યક્રમમાં માયા માવાણી, સુધાકર ચૌધરી, અલ્પા મહેતા, ઉમિલા ત્રિપાઠી સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
