સુરતમાં ખાડી સફાઈ અને પ્રિ-મોન્સૂન કામગીરીની આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સમીક્ષા કરી

Spread the love

મેયર માયા માવાણી સાથે વિવિધ વિસ્તારોની મુલાકાત; ચોમાસા પૂર્વે તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવા તંત્રને તાકીદ

સુરત

આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરીની રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સમીક્ષા કરી હતી. સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ લાવવા માટે તેમણે વિવિધ વિસ્તારોમાં ગ્રાઉન્ડ વિઝિટ કરીને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ખાડી સફાઈ કામગીરીનું જાત નિરીક્ષણ

‘મારો વિસ્તાર, મારી ફરજ’ના ધ્યેય સાથે મંત્રીએ માયા માવાણી તેમજ સ્થાનિક કોર્પોરેટરો, ભાજપના હોદ્દેદારો અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે ભગવતી સોસાયટી-પુણા વિસ્તારમાં ચાલી રહેલી ખાડી સફાઈ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. ખાડીમાંથી ગાદ અને કચરો દૂર કરવા માટે એમ્ફિબિયસ એક્સકેવેટર મશીન દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.

નાગરિકોની સુખાકારી માટે કડક સૂચનાઓ

નિરીક્ષણ દરમિયાન મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે ચોમાસા દરમિયાન નાગરિકોને પાણી ભરાવા અને ગંદકી જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી રાખવામાં ન આવે. તેમણે તમામ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને ગુણવત્તા જાળવવા માટે તંત્રને કડક તાકીદ કરી હતી.

આગોતરા આયોજનથી હાલાકી ટાળવાનો પ્રયાસ

મંત્રીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તેમની વ્યક્તિગત દેખરેખ અને નિયમિત સમીક્ષાના કારણે કામગીરીમાં વધુ વેગ અને પારદર્શિતા આવી છે. આ વર્ષે ચોમાસા દરમિયાન સુરતના નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *