ચાર મહાસાગરોમાં 25,500 નોટિકલ માઇલની વિશ્વ-પરિક્રમા પૂર્ણ કરનાર નવ મહિલા અધિકારીઓને રક્ષા મંત્રીનો અભિનંદન સંદેશ; ‘IASV ત્રિવેણી’ને આત્મનિર્ભર ભારત અને નારી શક્તિનું પ્રતિક ગણાવ્યું
નવી દિલ્હી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વની પ્રથમ ત્રિ-સેવા સર્વ મહિલા વિશ્વ-પરિક્રમા નૌકાયાન અભિયાન ‘સમુદ્ર પ્રદક્ષિણા’નું ઔપચારિક સ્વાગત (ફ્લેગ-ઇન) કર્યું હતું. ઇન્ડિયન આર્મી સેઇલિંગ વેસલ (IASV) ત્રિવેણી પર સવાર આર્મી, નેવી અને એરફોર્સની નવ મહિલા અધિકારીઓએ ચાર મહાસાગરોમાં લગભગ 25,500 નોટિકલ માઇલની ઐતિહાસિક સફર 314 દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કરીને મુંબઈ પરત ફરી હતી. આ અભિયાનને 11 સપ્ટેમ્બર, 2025ના રોજ મુંબઈથી વર્ચ્યુઅલી લીલી ઝંડી આપવામાં આવી હતી.
નારી શક્તિ અને નવા ભારતનું પ્રતિક
આ પ્રસંગે રાજનાથ સિંહે જણાવ્યું કે ‘સમુદ્ર પ્રદક્ષિણા’ માત્ર દરિયાઈ અભિયાન નથી, પરંતુ તે નવા ભારતના સંકલ્પ, નારી શક્તિ, હિંમત અને ત્રણેય સેનાઓ વચ્ચેની સંયુક્ત કામગીરીનું જીવંત પ્રતીક છે. તેમણે મહિલા અધિકારીઓના સાહસની પ્રશંસા કરતાં કહ્યું કે આજે દેશની મહિલાઓ માત્ર તકોની રાહ જોતી નથી, પરંતુ નવા અવસરોનું સર્જન કરીને નેતૃત્વ પણ કરી રહી છે.
વિશ્વ-પરિક્રમાના તમામ આંતરરાષ્ટ્રીય માપદંડો પૂર્ણ
આ ઐતિહાસિક અભિયાન દરમિયાન ક્રૂએ પૃથ્વીની પરિક્રમા માટેના તમામ આંતરરાષ્ટ્રીય માપદંડો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. તેમાં વિશ્વના તમામ રેખાંશવૃત્તો પાર કરવા, વિષુવવૃત્તને બે વખત ઓળંગવો, આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા પાર કરવી તેમજ કેપ લ્યુવિન, કેપ હોર્ન અને કેપ ઓફ ગુડ હોપ જેવા ત્રણ મહત્ત્વના ભૂશિરોની પ્રદક્ષિણા કરવાનો સમાવેશ થાય છે.
કેપ હોર્નર્સની પ્રતિષ્ઠિત બિરાદરીમાં સ્થાન
મહિલા અધિકારીઓએ વિશ્વના સૌથી પડકારજનક દરિયાઈ માર્ગોમાં ગણાતા ડ્રેક પેસેજને સફળતાપૂર્વક પાર કર્યો અને કેપ હોર્નની પ્રદક્ષિણા પૂર્ણ કરી. આ સિદ્ધિ સાથે તેમને વિશ્વપ્રસિદ્ધ ‘કેપ હોર્નર્સ’ બિરાદરીનું સભ્યપદ પણ પ્રાપ્ત થયું, જે દરિયાઈ ક્ષેત્રમાં અત્યંત ગૌરવની સિદ્ધિ માનવામાં આવે છે.
ત્રિ-સેવાની સંયુક્તતાનું ઉત્તમ ઉદાહરણ
આ અભિયાનમાં ભારતીય આર્મી, નેવી અને એરફોર્સના મહિલા અધિકારીઓએ એક ટીમ તરીકે દસ મહિનાથી વધુ સમય સુધી સાથે રહીને તાલીમ લીધી અને સમગ્ર વિશ્વની સફર પૂર્ણ કરી. રક્ષા મંત્રીએ જણાવ્યું કે આ અભિયાન દર્શાવે છે કે ત્રણેય દળો વચ્ચેનું સંકલન માત્ર સંસ્થાકીય વિચાર નથી, પરંતુ તે દેશની ઓપરેશનલ ક્ષમતા અને શક્તિને અનેકગણી વધારતું ફોર્સ મલ્ટિપ્લાયર છે.
ભારતનાં સોફ્ટ પાવરને મળી નવી ઓળખ
વિશ્વભરના વિવિધ બંદરો પર રોકાણ દરમિયાન IASV ત્રિવેણીએ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, દરિયાઈ વારસો અને લશ્કરી વ્યાવસાયિકતાનો પરિચય કરાવ્યો હતો. રાજનાથ સિંહે જણાવ્યું કે આ અભિયાન વિશ્વમાં ભારતના ‘ફ્લોટિંગ એમ્બેસેડર’ તરીકે ઉભરી આવ્યું છે અને અનેક મિત્ર દેશો સાથે ભારતના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બન્યું છે.
‘IASV ત્રિવેણી’ આત્મનિર્ભર ભારતનું પ્રતિક
રક્ષા મંત્રીએ સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત 50 ફૂટ લાંબા IASV ત્રિવેણીને ‘આત્મનિર્ભર ભારત’નું પ્રતિક ગણાવ્યું. તેમણે જણાવ્યું કે આ જહાજ ભારતની એન્જિનિયરિંગ ક્ષમતા, સ્વદેશી તકનીક અને વ્યૂહાત્મક આત્મવિશ્વાસનો જીવંત પુરાવો છે.
ઉચ્ચ સૈન્ય અધિકારીઓ હાજર રહ્યા
નવી દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન.એસ. રાજા સુબ્રમણિ, નેવલ ચીફ એડમિરલ ક્રિષ્ણા સ્વામિનાથન, આર્મી ચીફ જનરલ ધીરજ સેઠ, એર માર્શલ અશુતોષ દીક્ષિત સહિત ત્રણેય સેનાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે સૈન્ય અધિકારીઓ, નિવૃત્ત જવાનો અને મહિલા અધિકારીઓના પરિવારજનોએ ભવ્ય સ્વાગત કરીને તેમની ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરી હતી.
