7થી 12 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે આંતરરાષ્ટ્રીય જુનિયર ટેનિસનો જમાવડો, ભારત સહિત અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા, યુકે અને કોરિયાના ખેલાડીઓ ભાગ લેશે
અમદાવાદ
ગુજરાતમાં ટેનિસને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવાના પ્રયાસોને વધુ વેગ મળવા જઈ રહ્યો છે. અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે ITF J30 ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન 7થી 12 સપ્ટેમ્બર, 2026 દરમિયાન કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ અમદાવાદમાં સતત ચોથી વખત યોજાઈ રહી છે. જ્યારે ક્વોલિફાઇંગ રાઉન્ડ 6 સપ્ટેમ્બરે રમાશે. ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન (GSTA)ના સહયોગથી યોજાનારી આ સ્પર્ધામાં દેશ-વિદેશના યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભા દર્શાવશે.
9 હાર્ડ સિન્થેટિક કોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુકાબલા
અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે કુલ 9 હાર્ડ સિન્થેટિક કોર્ટ ઉપલબ્ધ છે, જ્યાં સમગ્ર ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધા યુવા ખેલાડીઓને ઉચ્ચ સ્તરની સ્પર્ધાનો અનુભવ આપવાની સાથે આંતરરાષ્ટ્રીય જુનિયર રેન્કિંગમાં આગળ વધવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડશે.
ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશનના પ્રમુખ કૃષ્ણચિંતન પરીખે જણાવ્યું હતું કે ગુજરાતના ટેનિસ ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સફળતા મેળવી રહ્યા છે. ખેલાડીઓને પ્રોત્સાહન અને તેમની મહેનતને ઓળખ આપવી જરૂરી છે. આ ટૂર્નામેન્ટ ગુજરાતમાં ટેનિસના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ખાસ વાત એ છે કે આ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓને મેચ સંબંધિત લાઇવ ડેટા ફીડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મેચ બાદ ખેલાડીઓ પોતાના પ્રદર્શનને સુધારવા માટે આ ડેટાનો ઉપયોગ કરી શકશે.
અમદાવાદને જુનિયર ટેનિસના મજબૂત કેન્દ્ર તરીકે વિકસાવવાનો પ્રયાસ
ACTFના માનદ સચિવ ભારત ચોક્સીએ જણાવ્યું હતું કે અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન લાંબા સમયથી સ્પર્ધાત્મક અને ગુણવત્તાસભર ટેનિસ માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. અહીં ઉભી કરવામાં આવેલી સુવિધાઓ ઉભરતા તેમજ અનુભવી ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે મજબૂત પ્લેટફોર્મ આપે છે. તેમણે ટેનિસપ્રેમીઓ અને રમતપ્રેમીઓને ટૂર્નામેન્ટ નિહાળવા માટે આમંત્રણ આપ્યું હતું.
ટૂર્નામેન્ટ ડિરેક્ટર રંજિત ઠાકોરે જણાવ્યું કે માત્ર એક સારી ટૂર્નામેન્ટનું આયોજન કરીને અટકી જવાનું લક્ષ્ય નથી. અમદાવાદને જુનિયર ટેનિસ માટે મજબૂત ડેસ્ટિનેશન બનાવવાનું અને ગુજરાતના યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ધોરણે સ્પર્ધા કરવાની વધુ તકો ઊભી કરવાનું આયોજન છે.
અમેરિકા સહિત છ દેશોના ખેલાડીઓ ભાગ લેશે
GSTAના માનદ સચિવ શ્રિમલ ભટ્ટના જણાવ્યા અનુસાર ટૂર્નામેન્ટમાં ભારત ઉપરાંત અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા, યુકે અને કોરિયાના ખેલાડીઓ ભાગ લેશે. બોયઝ કેટેગરીમાં અમદાવાદના ઓમ પટેલ ટોપ સીડ છે, જ્યારે મહારાષ્ટ્રના પ્રધનેશ શેલકેને બીજો સીડ મળ્યો છે. ગર્લ્સ કેટેગરીમાં વડોદરાના શૈવી જી. પટેલ ટોપ સીડ અને મારિયા પટેલ બીજા સીડ તરીકે છે.
ગુજરાતના 8 ખેલાડીઓને વાઇલ્ડ કાર્ડ
ગુજરાતના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે તે માટે કુલ 8 વાઇલ્ડ કાર્ડ આપવામાં આવ્યા છે. બોયઝ કેટેગરીમાં કબીર પરમાર અને અદ્વૈત નગરને મેઇન ડ્રો, જ્યારે દેવેશ ગુપ્તા અને માધવ સી. શાહને ક્વોલિફાઇંગ માટે વાઇલ્ડ કાર્ડ અપાયું છે.
ગર્લ્સ કેટેગરીમાં જિયા પંડ્યા અને પૂર્વી પટવાને મેઇન ડ્રો, જ્યારે સાન્વી દોશી અને સારાહ રિયાસને ક્વોલિફાઇંગ માટે વાઇલ્ડ કાર્ડ મળ્યું છે.
ITF જુનિયર રેન્કિંગમાં મળશે મહત્વપૂર્ણ પોઇન્ટ
ITF J30 ટૂર્નામેન્ટમાં ખેલાડીઓને વર્લ્ડ જુનિયર રેન્કિંગ માટે પોઇન્ટ મળશે. સિંગલ્સના વિજેતાને 30 પોઇન્ટ અને રનર્સ-અપને 18 પોઇન્ટ મળશે. જ્યારે ડબલ્સમાં વિજેતાને 25 પોઇન્ટ અને રનર્સ-અપને 13 પોઇન્ટ મળશે. આ પોઇન્ટ્સ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય જુનિયર રેન્કિંગમાં આગળ વધવા ઉપરાંત ભવિષ્યમાં જુનિયર ગ્રાન્ડ સ્લેમ માટેની દિશામાં આગળ વધવામાં મદદરૂપ બનશે.
7થી 12 સપ્ટેમ્બર સુધી ટેનિસપ્રેમીઓ માટે મોટી તક
આ ટૂર્નામેન્ટ ગુજરાતના યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામે રમવાનો અનુભવ આપશે અને રાજ્યમાં ટેનિસના વિકાસને નવી દિશા આપશે. આયોજકોએ 7થી 12 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે યોજાનારી આ ટેનિસ સ્પર્ધાને નિહાળવા માટે રમતપ્રેમીઓને આમંત્રણ આપ્યું છે.
