પુણા ખાતે રૂ. 6.44 કરોડના ખર્ચે નવનિર્મિત સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ

Spread the love

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ; 600 વિદ્યાર્થીઓને મળશે આધુનિક શિક્ષણની સુવિધા

સુરત

સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્વ (વરાછા) ઝોન-એ વિસ્તારના યોગી ચોક નજીક પુણા ખાતે રૂ. 6.44 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ શાળામાં ધોરણ 9થી 12 સુધીના 600 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે.

આધુનિક સુવિધાઓથી સજ્જ શાળા

ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ માળ ધરાવતી આ શાળામાં 12 ક્લાસરૂમ, પ્રિન્સિપાલ અને સ્ટાફ રૂમ, કોમ્પ્યુટર લેબ, AI લેબ, લાયબ્રેરી રૂમ તેમજ મલ્ટીપર્પઝ હોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિદ્યાર્થીઓને આધુનિક અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓના ભવિષ્યને મળશે નવી દિશા

પ્રસંગે પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે અદ્યતન શૈક્ષણિક સુવિધાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. નવી શાળાના નિર્માણથી વિસ્તારના મધ્યમવર્ગીય અને નિમ્ન મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શ્રેષ્ઠ વાતાવરણ મળશે અને તેમના ભવિષ્યનું ઘડતર વધુ મજબૂત બનશે.

આગેવાનો રહ્યા ઉપસ્થિત

કાર્યક્રમમાં માયા માવાણી, સુધાકર ચૌધરી, અલ્પા મહેતા, ઉમિલા ત્રિપાઠી સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *