આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ ખોરાક વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડની કડક કાર્યવાહી

ગાંધીનગર
રાજ્યમાં ભેળસેળિયા તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત આરોગ્ય વિભાગે અમદાવાદમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. કઠવાડા વિસ્તારમાં ચાલતી એક ડેરી ફેક્ટરીમાંથી શંકાસ્પદ ૪૫૨ લિટર ઘીનો રૂ. ૨.૮૫ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને ફેક્ટરીને સીલ કરવામાં આવી છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના કડક આદેશોના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ફ્લાઈંગ સ્ક્વોડની અચાનક તપાસ:
ગાંધીનગર સ્થિત ફ્લાઈંગ સ્ક્વોડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત ટીમે કઠવાડા વિસ્તારમાં આવેલી શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ ખાતે અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાં ભેળસેળની પ્રબળ શંકા, ઓછો વેચાણ ભાવ અને જરૂરી દસ્તાવેજોની ગેરહાજરી સામે આવી હતી.
લાયસન્સ વગર ઉત્પાદનનો ખુલાસો:
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ફેક્ટરી સંચાલકો પાસે માન્ય ફૂડ લાયસન્સ નહોતું અને છતાં ઉત્પાદન કરવામાં આવતું હતું. વધુમાં, અન્ય ફર્મના નામે ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
શંકાસ્પદ ઘી જપ્ત અને ફેક્ટરી સીલ:
ફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્થળ પરથી કુલ ૪૫૨ લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. તેની અંદાજિત કિંમત રૂ. ૨.૮૫ લાખ જણાવવામાં આવી છે. સમગ્ર ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે અને આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
લેબોરેટરીમાં તપાસ શરૂ:
જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓ વૈજ્ઞાનિક પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
