પેપર લીક અને ગેરરીતિઓ અટકાવવા કેન્દ્ર સરકારનું કડક પગલું; NTAની ભલામણ બાદ લેવાયો નિર્ણય
નવી દિલ્હી
NEET (UG) 2026ની પુનઃપરીક્ષાને નિષ્પક્ષ અને સુરક્ષિત બનાવવા કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ટેલિગ્રામ એપ પર 22 જૂન, 2026 સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ભલામણના આધારે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 21 જૂનના રોજ યોજાનારી NEET પુનઃપરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
પરીક્ષાની સુરક્ષાને પ્રાથમિકતા
NTAના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ટેલિગ્રામ પર પેપર લીક અને પરીક્ષા સંબંધિત ભ્રામક દાવા કરતી અનેક ચેનલો સક્રિય થઈ હતી. આ ચેનલો દ્વારા વિદ્યાર્થીઓને ખોટી માહિતી આપી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. પરીક્ષાની વિશ્વસનીયતા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓમાં ગેરસમજ ન ફેલાય તે માટે સરકારે સમયબદ્ધ પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
મેસેજ એડિટિંગ ફીચર પર પણ રોક
સરકારે Telegramના મેસેજ એડિટિંગ ફીચર પર પણ 30 જૂન સુધી પ્રતિબંધ મૂક્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કેટલાક લોકો અગાઉ પોસ્ટ કરાયેલા સામાન્ય મેસેજને પછીથી એડિટ કરીને તેમાં પ્રશ્નપત્ર અથવા PDF ફાઈલ ઉમેરતા હતા. મેસેજનો મૂળ સમય યથાવત રહેતો હોવાથી તેને પેપર લીકના પુરાવા તરીકે રજૂ કરવામાં આવતો હતો. આ પ્રકારની છેતરપિંડી રોકવા માટે સરકારે આ સુવિધા અસ્થાયી રીતે બંધ કરાવી છે.
ભ્રામક ચેનલો સામે કાર્યવાહી
અધિકારીઓના જણાવ્યા મુજબ ‘પેપર લીક’, ‘NEET રિ-એક્ઝામ’ અને અન્ય સમાન નામોથી ચાલતી કેટલીક ચેનલો વિદ્યાર્થીઓ પાસેથી નકલી પ્રશ્નપત્રના નામે હજારો રૂપિયા વસૂલતી હતી. આવા ગેરકાયદે નેટવર્ક સામે કાર્યવાહી માટે Telegram પર કડક નિયંત્રણો જરૂરી બન્યા હતા.
વિદ્યાર્થીઓને અપીલ
NTAએ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર વેબસાઇટ તથા અધિકૃત સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે NEET (UG) 2026ની પુનઃપરીક્ષા 21 જૂને નિર્ધારિત સમય મુજબ જ યોજાશે અને પરીક્ષાની પારદર્શિતા સુનિશ્ચિત કરવા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
