નવી દિલ્હી
દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહી અને સુરક્ષા મુદ્દાઓને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી છે.
પ્રદર્શનકારીઓ અને યુવાનો પર કાર્યવાહીનો આક્ષેપ
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ દ્વારા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ખરગેએ આરોપ લગાવ્યો છે કે સરકારે પહેલા યુવાનો પર લાઠીચાર્જ કર્યો અને હવે બદલાની ભાવનાથી એફઆઈઆર નોંધીને તેમની અટકાયત કરવામાં આવી રહી છે.
તેમના જણાવ્યા મુજબ, યુવાનોએ આ શરતે આંદોલન પાછું ખેંચ્યું હતું કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં, પરંતુ સરકાર પોતાના વચનથી ફરી ગઈ છે. ખરગેએ એમ પણ કહ્યું કે, “જો થોડી પણ શરમ બચી હોય તો અમિત શાહનું રાજીનામું લો.”
છોકરીઓની ‘ડોક્સિંગ’ કરાવવાનો ગંભીર આરોપ
ખરગેએ સરકાર પર યુવાનોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરાવવા અને છોકરીઓની ‘ડોક્સિંગ’ (Doxxing) કરાવવાનો ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે સરકારમાં એટલો અહંકાર છે કે ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં આવ્યા પણ નહીં અને જવાબદારીથી ડરતા રહ્યા.
- ડોક્સિંગ એટલે શું? ડોક્સિંગ એટલે કોઈ વ્યક્તિની અંગત માહિતી તેની સંમતિ વગર સોશિયલ મીડિયા પર સાર્વજનિક કરવી. સામાન્ય રીતે આ કોઈને હેરાન કરવા, શરમમાં મૂકવા કે નુકસાન પહોંચાડવાના ઈરાદે કરવામાં આવે છે.
સંસદમાં પણ ઉઠ્યો હતો મુદ્દો
દિલ્હીમાં ૨૦ જુલાઈએ યોજાયેલા ‘સंसद चलो’ માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને વિપક્ષ સતત ગૃહમંત્રીને નિશાન બનાવી રહ્યો છે. ગુરુવારે રાજ્યસભામાં પણ ખરગેએ ગૃહમંત્રીના ગૃહમાં હાજર ન રહેવાને લઈને સરકારને ઘેરી હતી. આ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું હતું.
