કામરેજમાં ગણેશજીની સ્થાપના, સફાઈ કર્મચારી પરિવારોનું વિશેષ સન્માન

Spread the love

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક ગણપતિદાદાની પૂજા-અર્ચના અને આરતી સંપન્ન

સુરત

કામરેજ વિધાનસભા કર્મયોગ કાર્યાલય ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા તથા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ગણેશજીની પ્રતિમાની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. પૂજા-અર્ચના અને આરતી સાથે યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે રાત્રિના સમયે સઘન પરિશ્રમ કરીને સુરત શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારી પરિવારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ગણેશજીની પ્રથમ આરતી પણ સફાઈ કર્મચારી પરિવારોના વરદ હસ્તે કરવામાં આવી હતી.

સફાઈ કર્મચારીઓના યોગદાનને બિરદાવ્યું

આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સફાઈ કર્મચારીઓના સેવાભાવી કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સુરતને આભલા જેવું ચોખ્ખું રાખવા માટે સફાઈ કર્મચારીઓ આખી રાત જાગીને પરિશ્રમ કરે છે. શહેર અને રાજ્યને સ્વચ્છ રાખવામાં તેમનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. આવા કર્મયોગીઓનું સન્માન કરવું એ સમાજની જવાબદારી છે.

સમરસતા અને સૌના સન્માનનો સંદેશ

મંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો દરેક વ્યક્તિ અને જ્ઞાતિના સન્માનની શીખ આપે છે. સૌ સાથે મળીને ઈશ્વરની આરાધના કરે અને પૃથ્વી પર કોઈ નાનું કે મોટું નથી, તેવો સમરસતાનો સંદેશ તેમણે આપ્યો હતો. ગણેશોત્સવ જેવા પાવન અવસર સમાજમાં એકતા, ભાઈચારો અને સમરસતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જનસેવાનો સંકલ્પ

મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જનસેવાને આમ જનતા સુધી પહોંચાડવા સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજના તમામ વર્ગોના કલ્યાણ માટે સરકાર સતત કાર્યરત છે અને લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નાગરિકોના આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના

ગણપતિદાદાના ચરણોમાં શીશ ઝૂકાવી મંત્રીએ રાજ્યના નાગરિકો તંદુરસ્ત રહે, સૌ સુખી-સંપન્ન બને અને સમાજનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ આરોગ્ય ક્ષેત્રની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે અને જરૂરિયાતમંદોને તેનો મહત્તમ લાભ મળે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી હતી.

અંગદાન માટે જનજાગૃતિનો સંદેશ

ગણેશોત્સવના પાવન અવસરે વધુમાં વધુ અંગદાન થાય અને અનેક જરૂરિયાતમંદ લોકોને નવું જીવન મળી શકે તે માટે સૌએ આગળ આવવું જોઈએ, તેવો સંદેશ આરોગ્ય મંત્રીએ આપ્યો હતો. તેમણે અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવા અને સમાજમાં વધુમાં વધુ લોકોને અંગદાન માટે પ્રેરિત કરવા સૌને આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે કામરેજ વિધાનસભા ક્ષેત્રના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને સામાજિક સમરસતાના વાતાવરણમાં યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *