હોસ્ટેલ-કેન્ટીનમાં આરોગ્ય વિભાગની સ્પેશ્યલ ડ્રાઇવ: 200 સ્થળે તપાસ, 61 ઇમ્પ્રુવમેન્ટ નોટિસ

Spread the love

પી.પી. સવાણી હોસ્ટેલની ફૂડ પોઇઝનિંગ ઘટનાના પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ; 10 હોસ્ટેલ-કેન્ટીન સ્વયંભૂ બંધ, એક લાયસન્સ સસ્પેન્ડ

ગાંધીનગર

સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી શાળાની હોસ્ટેલમાં ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના બાદ રાજ્ય સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યની હોસ્ટેલ અને કેન્ટીનમાં ખોરાકની ગુણવત્તા તથા સ્વચ્છતાની ચકાસણી માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રને ખાસ સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરવાના આદેશ આપ્યા હતા. જેના પગલે રાજ્યભરમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

200 હોસ્ટેલ-કેન્ટીનની તપાસ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 14 સપ્ટેમ્બર, 2026ના સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં કુલ 200 હોસ્ટેલ અને કેન્ટીનની તપાસ કરવામાં આવી છે. તપાસ હેઠળ 47 સરકારી, 21 અર્ધસરકારી અને 132 ખાનગી સંચાલિત હોસ્ટેલ-કેન્ટીનનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ખોરાકની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીનો સંગ્રહ તથા હાઇજેનિક પરિસ્થિતિ સહિતના વિવિધ મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી.

61 ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અને 114 નમૂના

સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન નિયમોનું પાલન ન કરતા સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કુલ 61 ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. જ્યારે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે 114 નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓની તપાસના આધારે નિયમોનો ભંગ જણાશે તો આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગંભીર અસ્વચ્છતા સામે 10 સ્થળે કાર્યવાહી

તપાસ દરમિયાન કેટલીક હોસ્ટેલ અને કેન્ટીનમાં ગંભીર કક્ષાની અસ્વચ્છતા તથા અનહાઇજેનિક પરિસ્થિતિ જોવા મળી હતી. આવા સ્થળોએ સંચાલકો દ્વારા 10 હોસ્ટેલ/કેન્ટીન સ્વયંભૂ બંધ કરવામાં આવી છે. ઉપરાંત, નિયમોના ઉલ્લંઘન બદલ એક લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

પી.પી. સવાણી હોસ્ટેલની ઘટના બાદ કડક વલણ

સુરતના અબ્રામા વિસ્તારમાં 13 સપ્ટેમ્બર, 2026ના રોજ બનેલી ફૂડ પોઇઝનિંગની ઘટનામાં અંદાજે 100 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અસરગ્રસ્ત થયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર રાજ્યની હોસ્ટેલ અને કેન્ટીનમાં ખોરાકની ગુણવત્તા તથા સ્વચ્છતા અંગે સઘન ચકાસણીના આદેશ આપ્યા છે.

આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહી ચાલુ રહેશે

ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ જણાવ્યું છે કે જાહેર જનતાના આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા, ભેળસેળ કરનારા તેમજ કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો સામે આગામી સમયમાં પણ કડક કાયદેસરની કાર્યવાહી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. હોસ્ટેલ અને કેન્ટીનમાં સુરક્ષિત, ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ ખોરાક ઉપલબ્ધ રહે તે માટે તંત્ર દ્વારા આવી તપાસ વધુ સઘન બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *