આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે નર્મદા જિલ્લામાં તડામાર તૈયારીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુખ્ય કાર્યક્રમ

Spread the love

જિલ્લા કલેક્ટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં આયોજન બેઠક યોજાઈ; તાલુકા કક્ષાએ પણ યોગ કાર્યક્રમોનું આયોજન થશે

રાજપીપલા:
આગામી 21 જૂન, 2026ના રોજ ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને સુવ્યવસ્થિત ઉજવણી માટે નર્મદા જિલ્લામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આયોજન બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમ સહિત વિવિધ આયોજન બાબતોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુખ્ય કાર્યક્રમ

બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર ગંગાસિંઘે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવશે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે યોજાશે. ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો પર પણ યોગ દિવસ નિમિત્તે વિશેષ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

વધુમાં વધુ લોકો જોડાય તે માટે આયોજન

કલેક્ટરે સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકોને મોટી સંખ્યામાં યોગ કાર્યક્રમમાં જોડાવવા અપીલ કરી હતી. તેમણે તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરીને કાર્યક્રમને સફળ બનાવવા સૂચના આપી હતી. યોગને સ્વસ્થ જીવનશૈલીનો મહત્વપૂર્ણ ભાગ ગણાવી વધુમાં વધુ લોકો સુધી તેનો સંદેશ પહોંચાડવા ભાર મૂક્યો હતો.

વ્યવસ્થાઓ અંગે સમીક્ષા

નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડેએ યોગ દિવસની ઉજવણી માટે સ્થળ વ્યવસ્થા, ઉપસ્થિતિ, પ્રચાર-પ્રસાર, ટ્રાફિક વ્યવસ્થા તથા અન્ય જરૂરી સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે સંબંધિત વિભાગોને જવાબદારીઓ પણ સોંપવામાં આવી હતી.

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ આયોજન બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, નાયબ કલેક્ટર પ્રિતેશ પટેલ, નાયબ કલેક્ટર વિધુ ખૈતાન, જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.બી. દેસાઈ, દિનેશ ભીલ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં યોગ દિવસની સફળ ઉજવણી માટે જરૂરી તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *