અમરેલીમાં સિંહણના હુમલામાં યુવકનું મોત; ઘટનાસ્થળેથી માત્ર અવશેષો મળ્યા

Spread the love

રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક બનેલી ઘટનાથી ફફડાટ; સિંહણને પાંજરે પૂરવા વનવિભાગની તાત્કાલિક કાર્યવાહ

અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહણના હુમલામાં એક યુવકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કોવાયા ગામ નજીક આવેલા TPP પાવર પ્લાન્ટ સામે આવેલી એક રેસ્ટોરન્ટમાં કામ કરતા અને મૂળ ઉત્તરાખંડના રહેવાસી પ્રકાશ ચંદ્ર નામના યુવક પર સિંહણે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

મોડી રાત્રે હુમલો

મળતી માહિતી મુજબ પ્રકાશ ચંદ્ર મોડી રાત્રે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન અચાનક એક સિંહણે તેના પર હુમલો કર્યો હતો. હુમલા બાદ સિંહણ યુવકને ખેંચીને નજીકના સીમ વિસ્તારમાં લઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

અવશેષો જોઈ લોકો સ્તબ્ધ

શોધખોળ દરમિયાન યુવકના શરીરના માત્ર કેટલાક અવશેષો અને ખોપરી મળી આવી હતી. ઘટનાની ભયાનકતા જોઈ સ્થાનિક લોકો તેમજ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ પ્રકારની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે અને લોકોમાં જંગલ વિસ્તાર તથા સીમ વિસ્તારોમાં જવા અંગે ભય જોવા મળી રહ્યો છે.

વનવિભાગ અને પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ વનવિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતકના અવશેષોને કબ્જે લઈને જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ વનવિભાગે હુમલો કરનારી સિંહણને શોધી પકડવા માટે વિશેષ ટીમો તૈનાત કરી છે. સિંહણ નરભક્ષી બની હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને ટ્રેકિંગ અને મોનિટરિંગની કામગીરી તેજ કરવામાં આવી છે.

સ્થાનિકોમાં ભયનો માહોલ

આ ઘટનાને પગલે કોવાયા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં લોકોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. વનવિભાગે ગ્રામજનોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા તથા સીમ વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરી છે. સાથે જ સિંહણને ઝડપથી પાંજરે પૂરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *