ખાંભલીયા ગામ નજીક અચરજભરી ઘટના; શિકારી અને શિકાર એક જ કૂવામાં હોવા છતાં બંને બચી ગયા

એસવીએન.અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાંભલીયા ગામ નજીક કુદરતનો એક અનોખો અને અચરજભર્યો કરિશ્મો જોવા મળ્યો છે. સામાન્ય રીતે સિંહણની નજરે ચઢેલો શિકાર બચી શકતો નથી, પરંતુ અહીં એક શ્વાન અને સિંહણ લગભગ પાંચ કલાક સુધી એક જ કૂવામાં સાથે રહ્યા હોવા છતાં કોઈ હુમલો થયો ન હતો. આ ઘટનાએ સ્થાનિકોમાં આશ્ચર્ય ફેલાવ્યું છે.
શિકારની શોધમાં હતી સિંહણ
મળતી માહિતી મુજબ ખાંભલીયા ગામ નજીકના ખેતર વિસ્તારમાં એક સિંહણ શિકારની શોધમાં ફરી રહી હતી. તે દરમિયાન તેની નજર એક શ્વાન પર પડી હતી. શ્વાનને જોઈ સિંહણ તેનો પીછો કરવા લાગી હતી. જીવ બચાવવા માટે શ્વાન ઝડપથી દોડ્યો, પરંતુ ખેતરમાં આવેલા ખુલ્લા અને પાણી વગરના અંદાજે 50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો હતો.
પીછો કરતી સિંહણ પણ કૂવામાં ખાબકી
શ્વાનનો પીછો કરતી સિંહણ પણ અંધારાના કારણે કૂવો જોઈ શકી નહોતી અને તે પણ કૂવામાં ખાબકી હતી. એક જ કૂવામાં શિકારી અને શિકાર આમને-સામને આવી ગયા હતા. જોકે, આશ્ચર્યજનક રીતે બંને વચ્ચે કોઈ સંઘર્ષ થયો નહોતો. લગભગ પાંચ કલાક સુધી બંને કૂવામાં રહ્યા હોવા છતાં સિંહણે શ્વાન પર હુમલો કર્યો ન હતો.
મુશ્કેલીમાં કુદરતી દુશ્મની ભૂલાઈ
વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કૂવામાં ફસાઈ જતાં સિંહણ પોતે જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. બહાર નીકળવાના પ્રયાસો અને ભયના કારણે તેનું ધ્યાન શિકાર કરતાં પોતાની સુરક્ષા પર વધુ કેન્દ્રિત રહ્યું હોવાનું માનવામાં આવે છે. પરિણામે શ્વાન પણ હુમલાથી બચી ગયો હતો.
બંનેનો જીવ બચ્યો
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરી બંનેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કેટલીક પરિસ્થિતિઓમાં કુદરતી શત્રુતા પણ ગૌણ બની જાય છે. રાજુલા પંથકમાં આ અનોખી ઘટના ચર્ચાનો વિષય બની છે.
