ગાંધીનગરથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કરાવ્યો શુભારંભ; ‘એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે’નો સંકલ્પ

ગાંધીનગર:
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓ અને બાળકોને વિવિધ ગંભીર રોગોથી સુરક્ષિત કરવા માટે રાજ્યવ્યાપી “Td અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાન-2026”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત પી.એમ. શ્રી બોરીજ સરકારી પ્રાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ વિદ્યાર્થીઓને રસી અપાવી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
18.75 લાખ બાળકોને મળશે રસીનું રક્ષણ
રાજ્યભરની 48,295 શાળાઓમાં અંદાજિત 18.75 લાખ બાળકોને આવરી લેવા માટે 48,529 રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)ની 992 ટીમોને કાર્યરત કરવામાં આવી છે. ઉપરાંત 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને DPT બુસ્ટર ડોઝ આપવા માટે 38,794 બાળવાટિકાઓમાં 35,819 રસીકરણ સેશન યોજાશે, જેમાં આશરે 5.89 લાખ બાળકોને આવરી લેવામાં આવશે.
વિકસિત ભારત માટે તંદુરસ્ત નાગરિક જરૂરી
કાર્યક્રમને સંબોધતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં “શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારત, સાંસ્કૃતિક ભારત અને ગુણિયલ ભારત”ના નિર્માણ માટે તંદુરસ્ત નાગરિકો જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે માટે આરોગ્ય તંત્ર રાજ્યભરમાં અભિયાન સ્વરૂપે કામગીરી કરી રહ્યું છે.
સર્વાઇકલ કેન્સર રસીકરણમાં ગુજરાત દેશભરમાં પ્રથમ
મંત્રીએ જણાવ્યું કે 14થી 15 વર્ષની દીકરીઓના સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ અભિયાનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે. રાજ્યમાં સાડા પાંચ લાખથી વધુ દીકરીઓને આ રસી આપવામાં આવી છે. તેમણે પોલિયો નાબૂદીની સફળતાનો ઉલ્લેખ કરતાં અન્ય ગંભીર બીમારીઓ સામે પણ સમાન પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
જંક ફૂડ છોડીને પૌષ્ટિક આહાર અપનાવવાની અપીલ
આ પ્રસંગે મંત્રીએ બાળકોને જંક ફૂડથી દૂર રહી પૌષ્ટિક આહાર લેવા, સ્વચ્છતા જાળવવા અને જમતા પહેલાં હાથ ધોવાની ટેવ વિકસાવવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં આરોગ્ય કમિશનર રતનકંવર ગઢવી ચારણ, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત આરોગ્ય અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
