ભેળસેળખોરો સામે રાજ્ય સરકારનો આકરા પ્રહાર, રૂ. 5.89 કરોડથી વધુના ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી

Spread the love

ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના રાજ્યવ્યાપી વિશેષ ચેકિંગ અભિયાનમાં 2.12 લાખ કિલો/લિટરથી વધુ જથ્થો તપાસ હેઠળ

ગાંધીનગર:
રાજ્યમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના મોટા જથ્થાની તપાસ કરીને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું.

2.12 લાખ કિલો/લિટરથી વધુ જથ્થાની તપાસ

વિશેષ અભિયાન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 2,12,948 કિલો/લિટરથી વધુ ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં 39,787 કિલો ઘી, 1,67,256.60 કિલો/લિટર ખાદ્ય તેલ, 675.40 કિલો દૂધ અને દૂધજન્ય પદાર્થો તેમજ 5,229 કિલો પનીરનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન સંબંધિત નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.

રૂ. 5.89 કરોડથી વધુના જથ્થા સામે કાર્યવાહી

તપાસ દરમિયાન ઘીના જથ્થાની અંદાજિત કિંમત રૂ. 2.38 કરોડ, ખાદ્ય તેલની રૂ. 3.34 કરોડ, દૂધ અને દૂધજન્ય પદાર્થોની રૂ. 47 હજારથી વધુ તથા પનીરની રૂ. 15.68 લાખ જેટલી કિંમતનો જથ્થો તપાસ હેઠળ લેવામાં આવ્યો હતો. કુલ મળીને રૂ. 5.89 કરોડથી વધુ મૂલ્યના ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું તંત્રે જણાવ્યું છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં સઘન ચકાસણી

આ અભિયાન હેઠળ અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દાહોદ, કચ્છ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, પંચમહાલ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં વિવિધ બ્રાન્ડ તેમજ ખુલ્લા વેચાણમાં રહેલા ખાદ્ય પદાર્થોની તપાસ કરવામાં આવી હતી.

આરોગ્ય સાથે કોઈ સમાધાન નહીં

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં. ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી યથાવત રહેશે. ખાદ્ય સુરક્ષા કાયદાના અસરકારક અમલીકરણ માટે નિયમિત સેમ્પલિંગ, તપાસ અને દરોડાની કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે.

‘સ્વસ્થ ગુજરાત – સુરક્ષિત ગુજરાત’નો સંકલ્પ

રાજ્ય સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત – સુરક્ષિત ગુજરાત”ના સંકલ્પ સાથે ગ્રાહકોને શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે ભવિષ્યમાં પણ આવા વિશેષ અભિયાનો સતત ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *