કોટંબી સ્ટેડિયમ નજીક પરોઢિયે સર્જાયેલી દુર્ઘટનામાં 26 મુસાફરો ઘાયલ, પાંચની હાલત ગંભીર

વડોદરા
વડોદરા-હાલોલ રોડ પર બુધવારે વહેલી સવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 26 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. રાજસ્થાનના બાસવાડાથી સુરત તરફ જઈ રહેલી લક્ઝરી બસ કોટંબી સ્ટેડિયમ નજીક ઉભેલા ટ્રકની પાછળ જોરદાર રીતે અથડાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પરોઢિયે ચાર વાગ્યે સર્જાઈ દુર્ઘટના
પ્રાથમિક માહિતી અનુસાર, લક્ઝરી બસ રાજસ્થાનથી સુરત તરફ જઈ રહી હતી ત્યારે વહેલી સવારે આશરે ચાર વાગ્યે કોટંબી સ્ટેડિયમ નજીક રોડ પર ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને અનેક મુસાફરો બસમાં જ ફસાઈ ગયા હતા.
બચાવ કામગીરી માટે અનેક ટીમો દોડી આવી
અકસ્માતની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો, વાહનચાલકો તેમજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વડોદરા ફાયર બ્રિગેડની પાણીગેટ શાખા અને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. ઉપરાંત એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ હતી.
બસના પતરા કાપી મુસાફરોને બહાર કાઢ્યા
બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડે ભારે મહેનત કરવી પડી હતી. JCB મશીનની મદદથી ટ્રક અને બસને અલગ કરવામાં આવ્યા હતા, જ્યારે બસના પતરા કાપીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ટ્રાફિક જામ અને તપાસ શરૂ
અકસ્માતના કારણે વડોદરા-હાલોલ રોડ પર ચારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળવાની સાથે અકસ્માતના કારણોની તપાસ પણ શરૂ કરી છે. ઘાયલોમાંથી પાંચ લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.
