2019થી 2024 દરમિયાન દર વર્ષે સરેરાશ 30 હજારથી વધુ પગપાળા જતા લોકોનાં અકસ્માતમાં મોત, નેશનલ હાઈવે પર સૌથી વધુ જોખમ

નવી દિલ્હી:
ભારતમાં રસ્તા પર વાહનો સાથે ચાલતા પગપાળા લોકો માટે સુરક્ષા મોટો પડકાર બની ગઈ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના આંકડા અનુસાર વર્ષ 2019થી 2024 દરમિયાન દેશમાં 1.8 લાખથી વધુ પગપાળા લોકોના માર્ગ અકસ્માતોમાં મોત થયા છે. આ સમયગાળા દરમિયાન દર વર્ષે સરેરાશ 30,500થી વધુ રાહદારીઓએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે રસ્તાનો ઉપયોગ કરનારાઓમાં પગપાળા લોકો સૌથી વધુ જોખમમાં છે.
માત્ર શહેરો નહીં, હાઈવે પર પણ રાહદારીઓ માટે મોટો ખતરો
રિપોર્ટ મુજબ પગપાળા લોકોના અકસ્માતો માત્ર મોટા શહેરોની સમસ્યા નથી. 2019થી 2024 દરમિયાન થયેલા કુલ પગપાળા મૃત્યુમાંથી લગભગ 30 ટકા મોત નેશનલ હાઈવે (NH) પર નોંધાયા છે. જ્યારે 50 લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોમાં આવા અકસ્માતોનો હિસ્સો લગભગ 12થી 13 ટકા રહ્યો છે.
બાકીના અકસ્માતો નાના શહેરોના રસ્તાઓ, રાજ્ય હાઈવે, જિલ્લા માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર થયા છે. આથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર દેશમાં પગપાળા લોકો માટે સુરક્ષિત માર્ગ વ્યવસ્થાની જરૂર છે.
2024માં પગપાળા મૃત્યુનો આંકડો સૌથી વધુ
વર્ષ 2024ના આંકડા ચિંતાજનક છે. આ વર્ષે કુલ 36,526 પગપાળા લોકોના અકસ્માતમાં મોત થયા હતા. જેમાંથી 11,386 મોત નેશનલ હાઈવે પર નોંધાયા હતા, જ્યારે 50 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 4,328 લોકોના જીવ ગયા હતા.
બાઈક અને કાર સાથેના અકસ્માતો સૌથી વધુ
માર્ગ પરિવહન મંત્રાલયના 2024ના અહેવાલ મુજબ પગપાળા લોકો સાથે થતા મોટા ભાગના અકસ્માતોમાં બે-પિયા વાહનો અને કાર સામેલ હોય છે. નિષ્ણાતોના મતે સુરક્ષિત ફૂટપાથ, ઝેબ્રા ક્રોસિંગ અને યોગ્ય માર્ગ ડિઝાઇનના અભાવે રાહદારીઓનો જીવ જોખમમાં મુકાય છે.
રસ્તા સુરક્ષા નિષ્ણાતો કહે છે કે ભારતમાં નિયમોની અછત કરતાં તેનો જમીન સ્તરે અમલ ન થવો મોટી સમસ્યા છે.
તમિલનાડુમાં સૌથી વધુ પગપાળા મૃત્યુ
રાજ્યવાર આંકડાઓમાં તમિલનાડુ સૌથી આગળ રહ્યું છે. વર્ષ 2024માં ત્યાં 4,712 પગપાળા લોકોના અકસ્માતમાં મોત થયા હતા. ત્યારબાદ બિહારમાં 4,149, મહારાષ્ટ્રમાં 3,344 અને પશ્ચિમ બંગાળમાં 3,241 મૃત્યુ નોંધાયા હતા.
સુપ્રીમ કોર્ટે પણ ફૂટપાથના અધિકાર પર ભાર મૂક્યો
પગપાળા લોકોની સુરક્ષા અંગે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું છે કે ફૂટપાથ પર ચાલવાનો અધિકાર નાગરિકોના મૂળભૂત અધિકારો સાથે જોડાયેલો છે અને સરકારોએ દરેક રસ્તા વપરાશકર્તા માટે સુરક્ષિત માર્ગ વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.
વાહનો માટે બનેલા રસ્તાઓમાં રાહદારીઓ સૌથી વધુ મુશ્કેલીમાં
દેશના અનેક શહેરોમાં રસ્તાઓનું આયોજન માત્ર વાહનોની અવરજવર ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. જેના કારણે બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે રસ્તા પર ચાલવું જોખમી બની જાય છે.
નિષ્ણાતોનું માનવું છે કે હાઈવે અને શહેરોના રસ્તાઓ પર અલગ ફૂટપાથ, સુરક્ષિત ક્રોસિંગ, યોગ્ય સાઇનબોર્ડ અને કડક અમલથી જ પગપાળા લોકોના જીવ બચાવી શકાય છે.
વર્ષવાર પગપાળા લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુના આંકડા
| વર્ષ | પગપાળા લોકોના મૃત્યુની સંખ્યા | નેશનલ હાઈવે પર મૃત્યુ | 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં મૃત્યુ |
|---|---|---|---|
| 2019 | 25,858 | 7,749 | 3,384 |
| 2020 | 23,124 | 7,753 | 2,818 |
| 2021 | 29,124 | 9,462 | 3,789 |
| 2022 | 32,825 | 10,160 | 4,362 |
| 2023 | 35,221 | 11,180 | 4,604 |
| 2024 | 36,526 | 11,386 | 4,328 |
2019થી 2024નો કુલ સરવાળો
| સમયગાળો | કુલ પગપાળા મૃત્યુ |
|---|---|
| 2019-2024 | 1,82,678થી વધુ |
નોંધ: આ આંકડા દર્શાવે છે કે વર્ષો દરમિયાન પગપાળા લોકોના અકસ્માતમાં મૃત્યુ સતત વધ્યા છે અને નેશનલ હાઈવે સૌથી વધુ જોખમી માર્ગ શ્રેણીમાં રહ્યા છે.
