નવી દિલ્હી:
સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta) ના સીઈઓ માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) ભારત સરકાર સામે ઝૂકવું પડ્યું છે. બાળ યૌન શોષણ સામગ્રી (CSAM), ડીપફેક કન્ટેન્ટ (Deepfake Content) અને પ્લેટફોર્મના સંચાલનમાં થયેલી ગંભીર ભૂલોને સ્વીકારીને માર્ક ઝકરબર્ગે સાર્વજનિક રૂપે માફી માંગી લીધી છે. ભારત સરકારની કડક વલણ અને કાયદાકીય ચેતવણી બાદ મેટા દ્વારા આ મોટું પગલું ભરવામાં આવ્યું છે.
પ્લેટફોર્મ પર ભૂલો સ્વીકારી અને માફી માગી
બુધવારે મેટાના પ્રમુખ માર્ક ઝકરબર્ગે સત્તાવાર નિવેદન જારી કરીને સ્વીકાર્યું કે તેમના પ્લેટફોર્મ પર નિયંત્રણ રાખવામાં અને કન્ટેન્ટ ફિલ્ટર કરવામાં ગંભીર ભૂલો થઈ છે. તેમણે સ્પષ્ટપણે CSAM અને ડીપફેક વીડિયો જેવા જોખમી કન્ટેન્ટને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મેટાના પ્લેટફોર્મ્સ પર આવા વાંધાજનક કન્ટેન્ટને બૂસ્ટ કરવા માટે મોટા પ્રમાણમાં નાણાં મળ્યા હોવાની વાત પણ સામે આવી છે, જેને લઈને સરકારે સખત નારાજગી વ્યક્ત કરી હતી.
સેફ હાર્બર પ્રોટેક્શન પર લટકતી તલવાર
આ મામલે ભારત સરકારના આઈટી મંત્રાલય (IT Ministry) અને સંસદીય સમિતિએ ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું હતું. મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા કંપનીઓ માત્ર મધ્યસ્થી (Intermediary) હોવાનો દાવો કરીને પોતાની જવાબદારીથી બચી શકે નહીં. ભારતના આઈટી એક્ટ (IT Act) હેઠળ મળતું ‘સેફ હાર્બર પ્રોટેક્શન’ (Safe Harbour Protection) ત્યારે જ લાગુ પડે છે જ્યારે કંપનીઓ દેશના સ્થાનિક કાયદાઓનું સખત પાલન કરે.
વધુમાં, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોશિયલ મીડિયા પોસ્ટને થોડા સમય માટે બ્લોક કરવાના વિવાદ પર સંસદીય સમિતિએ મેટાને ૩ દિવસની અંદર “બિનશરતી માફી” માંગવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. જો મેટા નિર્ધારિત સમયમર્યાદામાં આ માફી ન માંગત, તો ભારતમાં તેના કાનૂની સંરક્ષણ અને ઓપરેશન પર મોટો ખતરો ઉભો થઈ શકત.
સ્થાનિક કાયદાનું પાલન કરવું અનિવાર્ય
ભારત સરકારે આ ઘટના દ્વારા દુનિયાભરની ટેક કંપનીઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ભારતીય નાગરિકોની સુરક્ષા અને દેશના કાયદાઓ સર્વોપરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કોઈપણ શરત વગર ભારતના કાનૂની માળખા અને નિયમોનું પાલન કરવું જ પડશે. માર્ક ઝકરબર્ગની આ માફી દર્શાવે છે કે ભારતનું ડિજિટલ માર્કેટ અને અહીંની સરકારની નીતિઓ હવે વૈશ્વિક સ્તરે ટેક જાયન્ટ્સને નિયંત્રિત કરવા માટે કેટલી મજબૂત બની ચૂકી છે.
