ગાંધીનગર
ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટીને વૈશ્વિક કક્ષાનું બિઝનેસ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નવા જાહેરનામા બહાર પાડી ગિફ્ટ સિટીમાં પીરસાતા વિદેશી દારૂ પરનો વેલ્યુ એડેડ ટેક્સ (VAT) 65 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દીધો છે. સાથે જ દારૂના દરેક સર્વિંગ પર વસૂલાતી વિશેષ ફી પણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં દારૂની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે.
કિંમતોને મેટ્રો શહેરોની સમકક્ષ બનાવવાનો પ્રયાસ
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીની કર વ્યવસ્થાને કારણે ગિફ્ટ સિટીમાં પીરસાતા દારૂની કિંમતો મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા મોટા શહેરોની સરખામણીએ ઘણી ઊંચી હતી. આ પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને વિદેશી પ્રતિભાઓને આકર્ષવામાં અવરોધરૂપ બનતી હતી. નવા નિર્ણય દ્વારા સરકાર ગિફ્ટ સિટીને વૈશ્વિક રોકાણકારો અને પ્રોફેશનલ્સ માટે વધુ અનુકૂળ બનાવવા માંગે છે.
ગ્રાહકોને સીધો લાભ
નવા નિયમો હેઠળ ગ્રાહકોને સીધો આર્થિક લાભ મળશે. અગાઉ 100 રૂપિયાની મેનૂ કિંમત ધરાવતા એક ડ્રિંક પર 240 રૂપિયાની વિશેષ ફી અને તેના પર 65 ટકા વેટ લાગતા ગ્રાહકે કુલ 561 રૂપિયા ચૂકવવા પડતા હતા. હવે વિશેષ ફી દૂર થતાં અને વેટ 25 ટકા થતાં એ જ ડ્રિંકની કિંમત આશરે 125 રૂપિયા થશે.
તે જ રીતે, 1000 રૂપિયાની મેનૂ કિંમત ધરાવતો પ્રીમિયમ ડ્રિંક અગાઉ 2046 રૂપિયામાં પડતો હતો, જે હવે અંદાજે 1250 રૂપિયામાં ઉપલબ્ધ બનશે.
હોસ્પિટાલિટી ઉદ્યોગને મળશે પ્રોત્સાહન
અગાઉ પ્રતિ બલ્ક લિટર 8,000 રૂપિયાની વિશેષ ફી તમામ કેટેગરીના દારૂ પર સમાન રીતે લાગુ થતી હતી. અન્ય રાજ્યોમાં આવી કોઈ ફી ન હોવાથી ગિફ્ટ સિટીના હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને સ્પર્ધામાં મુશ્કેલી પડતી હતી. નવા નિર્ણયથી હોસ્પિટાલિટી અને ફૂડ-બેવરેજ ક્ષેત્રને મોટો ફાયદો થવાની અપેક્ષા છે.
2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી નિર્ણય
રાજ્ય સરકાર 2030ની સંભવિત કોમનવેલ્થ ગેમ્સના આયોજનને પણ ધ્યાનમાં રાખીને ગિફ્ટ સિટીમાં સુવિધાઓ અને નીતિઓને વધુ આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. વિદેશી ખેલાડીઓ, અધિકારીઓ અને મહેમાનોને ધ્યાનમાં રાખીને આ પ્રકારની લિબરલ લિકર પોલિસી અપનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
દારૂબંધીમાં અગાઉ પણ આપવામાં આવી હતી છૂટ
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે ડિસેમ્બર 2023માં પ્રથમ વખત ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં મર્યાદિત છૂટ આપી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2025માં પણ નિયમોને વધુ સરળ બનાવવામાં આવ્યા હતા. હવે કર માળખામાં કરાયેલા આ મોટા ફેરફારને ગિફ્ટ સિટીના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
