બિલ્ડ અપ સ્પોર્ટ્સને 11-2થી હરાવી પ્રોગ્રેસિવ એસએનો દબદબો, ગોલ હન્ટર્સ અને ત્લંગ્નુયમ એફસી પણ અંતિમ ચાર ટીમોમાં
ભાવનગર
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ ભાવનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26માં ક્વાર્ટર ફાઇનલ મેચો પૂર્ણ થતાં ત્રણ ટીમોએ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ગુજરાતની પ્રોગ્રેસિવ સ્પોર્ટ્સ એકેડેમી (પ્રોગ્રેસિવ એસએ), ગોલ હન્ટર્સ (દિલ્હી) અને ત્લંગ્નુયમ એફસી (મિઝોરમ)એ જીત સાથે અંતિમ ચારનો રસ્તો પાર કર્યો છે.
ગોલ હન્ટર્સે ડિફેન્ડિંગ ચેમ્પિયનનો દમ બતાવ્યો
દિવસની પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગોલ હન્ટર્સ (દિલ્હી)એ કોર્બેટ એફસી (ઉત્તરાખંડ)ને 4-0થી પરાજય આપ્યો હતો. મેચની ચોથી મિનિટે બીજોય ગોસાઈએ ગોલ કરી દિલ્હીને સરસ શરૂઆત અપાવી હતી. પ્રથમ હાફ સુધી સ્કોર 1-0 રહ્યો હતો. બીજા હાફમાં મિલિંદ નેગી, માનવ શર્મા અને મુકુલ સિંહે એક-એક ગોલ નોંધાવી ટીમને સેમિફાઇનલમાં પહોંચાડી હતી.
પ્રોગ્રેસિવ એસએનો 11-2થી શાનદાર વિજય
બીજી ક્વાર્ટર ફાઇનલમાં ગુજરાતની પ્રોગ્રેસિવ એસએએ મધ્ય પ્રદેશની બિલ્ડ અપ સ્પોર્ટ્સ સામે એકતરફી પ્રદર્શન કરતાં 11-2થી ભવ્ય જીત મેળવી હતી. મેચની ત્રીજી મિનિટે ચૈતન્ય કોમરપંતે ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી.
ગુજરાત માટે ગૌરવ કંકોરકરે ચાર ગોલ ફટકાર્યા હતા, જ્યારે ચૈતન્ય કોમરપંત અને નિખિલ માલીએ બે-બે ગોલ નોંધાવ્યા હતા. ઉપરાંત લાલસવમપુઈયા અને ધર્મેશ પરમારે એક-એક ગોલ કર્યો હતો. બિલ્ડ અપ સ્પોર્ટ્સ તરફથી રોહિત સિંહ અને શુભમ કુમાર સિંહે એક-એક ગોલ કર્યો હતો, જ્યારે એક સેલ્ફ ગોલ પણ નોંધાયો હતો.
ત્લંગ્નુયમ એફસીનો 23-0થી વિજય
ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં મિઝોરમની ત્લંગ્નુયમ એફસીએ દાદરા અને નગર હવેલી, દમણ-દીવની યંગ હાર્ટ્સ એફસીને 23-0ના વિશાળ અંતરથી હરાવી ટૂર્નામેન્ટની સૌથી મોટી જીત નોંધાવી હતી. આ જીત સાથે ટીમે સેમિફાઇનલમાં પ્રવેશ સુનિશ્ચિત કર્યો છે.
26 જૂને રમાશે સેમિફાઇનલ
પ્રથમ સેમિફાઇનલ 26 જૂને ગોલ હન્ટર્સ (દિલ્હી) અને ત્લંગ્નુયમ એફસી (મિઝોરમ) વચ્ચે રમાશે. બીજી સેમિફાઇનલમાં પ્રોગ્રેસિવ એસએ (ગુજરાત)નો મુકાબલો સાઉથ કોસ્ટલ યુનાઇટેડ એફસી (કર્ણાટક) અને એફસી બુશહર (હિમાચલ પ્રદેશ) વચ્ચેની ચોથી ક્વાર્ટર ફાઇનલના વિજેતા સામે થશે.
આયોજકોના જણાવ્યા મુજબ 25 જૂનનો દિવસ આરામ માટે રાખવામાં આવ્યો છે, જ્યારે 26 જૂને સેમિફાઇનલ મુકાબલાઓથી ટૂર્નામેન્ટ વધુ રોમાંચક તબક્કામાં પ્રવેશ કરશે.
