દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કડક કાર્યવાહી થશે : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
અમદાવાદ
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં સામે આવેલા પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લીધું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સ્પષ્ટ જણાવ્યું છે કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવે અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ તેમજ સંબંધિત તપાસ એજન્સીઓ કૌભાંડમાં સંડોવાયેલા વ્યક્તિઓની ભૂમિકા અને જવાબદારી અંગે તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર હકીકત સામે આવશે અને જવાબદારો સામે કાયદા મુજબ પગલાં લેવામાં આવશે.
બ્લડ પ્લાઝ્મામાં ભેળસેળ માનવતાવિરોધી કૃત્ય
મંત્રીએ જણાવ્યું હતું કે બ્લડ પ્લાઝ્મા જેવી જીવનરક્ષક સામગ્રીમાં ભેળસેળ કરવી અત્યંત ગંભીર અને માનવતાવિરોધી પ્રવૃત્તિ છે. આવા કૃત્યો માત્ર દર્દીઓના જીવનને જોખમમાં મૂકતા નથી, પરંતુ સમગ્ર આરોગ્ય વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ ડગમગાવી શકે છે. તેથી સરકાર આ મામલે ‘શૂન્ય સહનશીલતા’ની નીતિ અપનાવી રહી છે.
બ્લડ બેન્કો પર વધશે દેખરેખ
રાજ્યભરની બ્લડ બેન્કો, પ્લાઝ્મા કલેક્શન સેન્ટરો અને સંબંધિત આરોગ્ય એકમોની કામગીરી પર વધુ કડક દેખરેખ રાખવા માટે આરોગ્ય વિભાગે જરૂરી સૂચનાઓ આપી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે નિયંત્રણ અને મોનિટરિંગ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે.
SOG પોલીસની કામગીરીને બિરદાવી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ કૌભાંડનો પર્દાફાશ કરવા બદલ અમદાવાદ SOG પોલીસ અને સંબંધિત અધિકારીઓની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રમાં ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરવી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.
દર્દીઓની સુરક્ષા સરકારની પ્રાથમિકતા
મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દર્દીઓની સુરક્ષા અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પારદર્શક અને નિષ્પક્ષ તપાસના આધારે સમગ્ર કૌભાંડના તથ્યો બહાર આવશે અને તમામ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
