કન્યા કેળવણી મહોત્સવ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સશક્ત સમાજના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
જામનગર
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ 8 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 175 જેટલા બાળકોને શાળામાં પ્રવેશ અપાવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો : મંત્રી
દડિયા પ્રાથમિક શાળા, એચ.એમ. નંદા માધ્યમિક શાળા અને નાઘુના પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની શરૂઆત છે. ગુજરાત સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને દરેક બાળકને ગુણવત્તાયુક્ત તેમજ આધુનિક શિક્ષણ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનના કારણે શિક્ષણનો વ્યાપ વધ્યો છે. ખાસ કરીને કન્યા કેળવણી મહોત્સવે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપી તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે
મંત્રીએ જણાવ્યું હતું કે આજે દીકરીઓ શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, આરોગ્ય, વહીવટ અને ઉદ્યોગ જેવા તમામ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો પરિચય આપી રહી છે. શાળાના દ્વારે પ્રવેશ કરતું દરેક બાળક આવનારા વિકસિત ભારત અને આત્મનિર્ભર ગુજરાતનું ભવિષ્ય છે.
તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ એવી શક્તિ છે જે સામાન્ય પરિવારમાં જન્મેલા બાળકને પણ સફળતાના શિખરો સુધી પહોંચાડી શકે છે.
જનભાગીદારીથી શિક્ષણને મળ્યું નવું બળ
મંત્રીએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ માત્ર બાળકોને શાળામાં દાખલ કરવાનો કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણને સમાજના દરેક ઘર સુધી પહોંચાડવાનો જનઆંદોલન છે.
રાજ્ય સરકાર દ્વારા શાળાકીય સુવિધાઓનું આધુનિકીકરણ, ડિજિટલ શિક્ષણ અને વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણ ઊભું કરવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
175 બાળકોને અપાયો પ્રવેશ
દડિયા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા, દડિયા અને ગણેશનગર પ્રાથમિક શાળાના કુલ 63 વિદ્યાર્થીઓ, એચ.એમ. નંદા માધ્યમિક શાળામાં ધોરણ-9ના 52 વિદ્યાર્થીઓ સહિત આંગણવાડી અને બાલવાટિકાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. નાઘુના પ્રાથમિક શાળા ખાતે નાઘુના, નવા નાઘુના અને નવસર્જન ઉત્તર બુનિયાદી વિદ્યાલયના કુલ 38 બાળકોને આવકારવામાં આવ્યા હતા.
આમ કુલ 175 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાયો હતો.
વિવિધ કાર્યક્રમો યોજાયા
કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પ્રવચન તેમજ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
કાર્યક્રમોમાં ધારાસભ્ય રાઘવજી પટેલ, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, ડો. વિનોદ ભંડેરી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સહિત આગેવાનો, શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
