સર્વાઇકલ કેન્સર નિવારણ માટે ભારતમાં સ્ક્રીનિંગ અને ફોલોઅપ કેયરના વિસ્તરણમાં મહત્વપૂર્ણ સિદ્ધિ
મુંબઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 100 ટકા સ્ટેપ-ડાઉન સબસિડિયરી કાર્કિઓન્સ હેલ્થકેર દ્વારા ભારતમાં સર્વાઇકલ કેન્સર નિવારણ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. કંપનીએ દેશભરમાં એક લાખથી વધુ મહિલાઓના એચપીવી ડીએનએ સ્ક્રીનિંગ ટેસ્ટ પૂર્ણ કર્યા છે. આ ઉપલબ્ધિ મહિલાઓને ગુણવત્તાયુક્ત કેન્સર સ્ક્રીનિંગ અને સમયસર સારવાર સાથે જોડવાના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન માનવામાં આવે છે.
સ્ક્રીનિંગ સાથે ફોલોઅપ કેયર પર ભાર
સર્વાઇકલ કેન્સરની રોકથામમાં માત્ર ટેસ્ટિંગ પૂરતું નથી, પરંતુ પોઝિટિવ પરિણામ મળ્યા બાદ દર્દીને યોગ્ય નિદાન અને સારવાર સુધી પહોંચાડવું પણ એટલું જ જરૂરી છે. કાર્કિઓન્સ હેલ્થકેર દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની ભલામણ મુજબ એચપીવી ડીએનએ ટેસ્ટિંગ સાથે ડિજિટલ ટેકનોલોજી આધારિત કેર મોડલ વિકસાવવામાં આવ્યું છે.
આ મોડલમાં જાગૃતિ અભિયાન, સ્ક્રીનિંગ, દર્દીની ટ્રેકિંગ સિસ્ટમ, રિસ્ક આધારિત માર્ગદર્શન અને સારવાર સુધીની સંપૂર્ણ વ્યવસ્થા સામેલ છે.
ડૉ. નીરજા ભાટલાએ ગણાવી મહત્વપૂર્ણ સિદ્ધિ
કાર્કિઓન્સ હેલ્થકેરના અર્લી ડિટેક્શન અને વુમન વેલનેસ વિભાગના સલાહકાર ડૉ. નીરજા ભાટલાએ જણાવ્યું કે એચપીવી ડીએનએ ટેસ્ટ સર્વાઇકલ કેન્સર માટે સૌથી વિશ્વસનીય પ્રાથમિક સ્ક્રીનિંગ પદ્ધતિ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે મોટા પ્રમાણમાં ટેસ્ટ કરાવવા સાથે દરેક પોઝિટિવ મહિલાને નિદાન અને સારવાર સુધી પહોંચાડવી એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે.
તેમણે જણાવ્યું કે મોટા શહેરોથી દૂર નાના શહેરો અને જિલ્લાઓ સુધી ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સેવા પહોંચાડવી એ ભારતના સર્વાઇકલ કેન્સર નિવારણ માટે જરૂરી દિશા છે.
નાના શહેરો અને વંચિત વિસ્તારો સુધી આરોગ્ય સેવા
કાર્કિઓન્સ હેલ્થકેરના સિનિયર ઓન્કોલોજી સલાહકાર ડૉ. ગૌરા કિશોર રાઠે જણાવ્યું કે ભારતમાં પડકાર કેન્સર વિશેની જાણકારીનો નહીં પરંતુ તેની પહોંચનો હતો. ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા દ્વારા નાના શહેરો અને ગામડાં સુધી સ્ક્રીનિંગ સેવા પહોંચાડવાથી વાસ્તવિક જાહેર આરોગ્ય લાભ મળી શકે છે.
કંપનીના ચીફ ગ્રોથ ઓફિસર શ્રીપ્રિયા રાવે જણાવ્યું કે એક લાખ ટેસ્ટનો આ આંકડો માત્ર સંખ્યા નથી, પરંતુ એવી મહિલાઓ સુધી પહોંચવાનો પ્રયાસ છે જેઓ અન્યથા સ્ક્રીનિંગથી વંચિત રહી શકતી હતી.
એક લાખથી એક કરોડ ટેસ્ટ તરફનું લક્ષ્ય
કાર્કિઓન્સ હેલ્થકેરના આ સિદ્ધિને સ્વર્ગસ્થ ડૉ. આર. સંકરનારાયણનની વૈજ્ઞાનિક દ્રષ્ટિને સમર્પિત કરી છે. કંપનીનું લક્ષ્ય હવે એક મિલિયન અને ત્યારબાદ એકસો મિલિયન એચપીવી ટેસ્ટ સુધી પહોંચવાનું છે.
આ પહેલમાં સરકારી આરોગ્ય કાર્યક્રમો, પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ, સીએસઆર આધારિત યોજનાઓ, નર્સ સહાયિત અને સેલ્ફ-સેમ્પલિંગ મોડલ દ્વારા વિવિધ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહી છે.
સર્વાઇકલ કેન્સર સામે લડતમાં મોટું પગલું
સર્વાઇકલ કેન્સર સમયસર સ્ક્રીનિંગ, વહેલી ઓળખ અને યોગ્ય સારવાર દ્વારા મોટાભાગે અટકાવી શકાય તેવું કેન્સર છે. ભારતમાં મહિલાઓના આરોગ્ય પરિણામોને સુધારવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળી સ્ક્રીનિંગ સુવિધાઓનો વિસ્તાર એક મહત્વપૂર્ણ તક બની રહ્યો છે. કાર્કિઓન્સ હેલ્થકેરની આ પહેલ ભારતના સર્વાઇકલ કેન્સર નિવારણ અભિયાનને વધુ મજબૂત બનાવશે.

