હોસ્પિટલની કાર્યપ્રણાલી, સુવિધાઓ અને માળખાકીય જરૂરિયાતોની વિગતવાર સમીક્ષા; દર્દી-કેન્દ્રીત સેવાઓ પર ભાર

જામનગર
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જામનગરની ગુરુ ગોવિંદસિંહ ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હોસ્પિટલની આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ, આધુનિક અને લોકાભિમુખ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન હોસ્પિટલની વર્તમાન કામગીરી, ઉપલબ્ધ સુવિધાઓ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
હોસ્પિટલની કામગીરી અંગે પ્રેઝન્ટેશન
બેઠકમાં હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. વિજય પોપટ અને મેડિકલ કોલેજના ડીન ડૉ. નંદીની દેસાઈ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલના મંજૂર મહેકમ, દૈનિક ઓપીડી, ઇન્ડોર દર્દીઓની સંખ્યા, પેરા મેડિકલ, નર્સિંગ અને વહીવટી સ્ટાફની વિગતો સહિત હોસ્પિટલની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત વિવિધ વિભાગોની કાર્યપદ્ધતિ અને આધુનિક તબીબી સુવિધાઓ અંગે પણ વિસ્તૃત ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો.
માંગણીઓના ત્વરિત નિરાકરણની ખાતરી
બેઠક દરમિયાન વિવિધ વિભાગોના વડાઓએ વહીવટી અને માળખાકીય જરૂરિયાતો અંગે રજૂઆતો કરી હતી. આરોગ્ય મંત્રીએ તમામ રજૂઆતોને હકારાત્મક રીતે સાંભળી સંબંધિત માંગણીઓના ત્વરિત નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમણે આરોગ્ય સેવાઓની ગુણવત્તા વધારવા માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવ્યું હતું.
‘ડોક્ટરો ઋષિતુલ્ય અને વંદનીય’
તબીબો અને સ્ટાફને સંબોધતા મંત્રીએ જણાવ્યું કે ડોક્ટરો ઋષિતુલ્ય અને વંદનીય છે. તબીબી વ્યવસાય માનવસેવાનું શ્રેષ્ઠ માધ્યમ છે અને કોરોના જેવી મહામારી સહિતની અનેક આફતો દરમિયાન સરકારી હોસ્પિટલોએ લોકોનો વિશ્વાસ જીત્યો છે. તેમણે હોસ્પિટલ પરિસરને વધુ દર્દી-મૈત્રીપૂર્ણ બનાવવા માટે સૌએ સમર્પિત ભાવનાથી કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સ્વચ્છતા અને ટીમવર્ક પર વિશેષ ભાર
મંત્રીએ હોસ્પિટલમાં ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા જાળવવા તેમજ તમામ વિભાગોએ એક મજબૂત ટીમ તરીકે કાર્ય કરીને સમાજના છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર અને સુલભ આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.
આગેવાનો અને તબીબોની ઉપસ્થિતિ
આ બેઠકમાં મોનિકાવ્યાસ,દિવ્યેશ અકબરી, ધીરેન મોનાણી, બીના કોઠારી, ડૉ. નંદીની દેસાઈ, ડૉ. વિજય પોપટ સહિત વિવિધ વિભાગોના વડાઓ અને સિનિયર તબીબો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હોસ્પિટલના સર્વાંગી વિકાસ અને દર્દી કલ્યાણને કેન્દ્રમાં રાખી મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
