વડોદરામાં 10થી 12 જુલાઈ દરમિયાન એસટી જ્યોતી સીએમસી ઈન્ટરનેશનલ ક્લાસિકલ બ્લો 1800 ફિડે રેટિંગ ચેસ ટૂર્નામેન્ટ 2026 યોજાશે

Spread the love

₹3 લાખના ઇનામો સાથે 1800થી ઓછી ફીડે રેટિંગ ધરાવતા ખેલાડીઓ માટે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા

વડોદરા: ગુજરાતના ચેસ ખેલાડીઓ માટે એક મહત્વપૂર્ણ તકરૂપ બની રહેલી એસટી જ્યોતી સીએમસી ઈન્ટરનેશનલ ક્લાસિકલ બ્લો 1800 ફિડે રેટિંગ ચેસ ટૂર્નામેન્ટ 2026નું આયોજન આગામી 10થી 12 જુલાઈ દરમિયાન વડોદરામાં કરવામાં આવ્યું છે. જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડ-રાજકોટ અને જ્યોતિ ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના સહયોગથી આ ફીડે રેટેડ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

9 રાઉન્ડની ક્લાસિકલ સ્પર્ધા

આ ટુર્નામેન્ટમાં 9 રાઉન્ડની સ્વિસ સિસ્ટમ આધારિત ક્લાસિકલ ચેસ સ્પર્ધા રમાશે. ખેલાડીઓને દરેક ચાલ માટે 30 સેકન્ડના વધારાના સમય સાથે 30 મિનિટનો સમય નિયંત્રણ આપવામાં આવશે. ટુર્નામેન્ટમાં 1800થી ઓછી ફીડે રેટિંગ ધરાવતા ખેલાડીઓ ભાગ લઈ શકશે, જ્યારે અનરેટેડ ખેલાડીઓ પણ નોંધણી કરાવી શકશે.

₹3 લાખનાં આકર્ષક ઇનામ

સ્પર્ધામાં કુલ ₹3 લાખનું ઇનામભંડોળ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ ક્રમના વિજેતાને ₹32,000, બીજા ક્રમને ₹23,000 અને ત્રીજા ક્રમને ₹11,000નું રોકડ ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત વિવિધ રેટિંગ કેટેગરી, બેસ્ટ અનરેટેડ, બેસ્ટ વડોદરા પ્લેયર, બેસ્ટ વેટરન, અંડર-11 અને અંડર-17 કેટેગરીમાં પણ વિશેષ ઇનામો રાખવામાં આવ્યા છે.

સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન

ટુર્નામેન્ટનું આયોજન વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવશે. ખેલાડીઓ અને વાલીઓની સુવિધા માટે સંપૂર્ણ એર કન્ડિશન્ડ વ્યવસ્થા રાખવામાં આવી છે. નોંધણીની છેલ્લી તારીખ 9 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે અને તમામ ખેલાડીઓ માટે AICF રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે.

ગુજરાતના ચેસ વિકાસને પ્રોત્સાહન મળશે

આંતરરાષ્ટ્રીય ધોરણની આ ફીડે રેટેડ સ્પર્ધા ગુજરાતના યુવા અને ઉભરતા ચેસ ખેલાડીઓને પોતાની પ્રતિભા સાબિત કરવાની ઉત્તમ તક પૂરી પાડશે. રાજ્યભરના તેમજ દેશના વિવિધ ભાગોમાંથી ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે વડોદરા આગામી જુલાઈમાં ચેસનું મહત્વનું કેન્દ્ર બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *