એવીસી મેન્સ કપ : કોરિયા અને ચાઈનીઝ તાઇપેની જીત, આજે ઓસ્ટ્રેલિયા સામે ભારતની મહત્વપૂર્ણ મેચ

Spread the love

અમદાવાદમાં રમાયેલી મેચમાં કોરિયાનો રોમાંચક વિજય; ભારત અપરાજિત રહી પૂલ-એમાં ટોચ પર

અમદાવાદ

અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ-2026 વોલીબોલ સ્પર્ધામાં ગુરુવારે રમાયેલી પ્રાથમિક તબક્કાની મેચોમાં કોરિયા અને ચાઈનીઝ તાઇપેએ મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી. કોરિયાએ ઓમાનને પાંચ સેટ સુધી ચાલેલી રોમાંચક મેચમાં 3-2થી હરાવ્યું હતું, જ્યારે ચાઈનીઝ તાઇપેએ ન્યૂઝીલેન્ડને 3-0થી પરાજય આપ્યો હતો. આ પરિણામો બાદ ભારત પૂલ-એમાં ટોચના સ્થાને યથાવત રહ્યું છે.

કોરિયા-ઓમાન વચ્ચે જોરદાર ટક્કર

પૂલ-બીની મેચમાં કોરિયા અને ઓમાન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પ્રથમ સેટમાં કોરિયાએ 25-23થી જીત મેળવી હતી, પરંતુ બીજા સેટમાં ઓમાને સમાન 25-23ના સ્કોર સાથે મેચમાં વાપસી કરી હતી. ત્રીજા સેટમાં કોરિયાએ 25-13થી પ્રભુત્વપૂર્ણ જીત મેળવી હતી. ચોથા સેટમાં ઓમાને શાનદાર રમત સાથે 28-26થી જીત મેળવી મેચને નિર્ણાયક પાંચમા સેટ સુધી પહોંચાડી હતી. અંતે કોરિયાએ 17-15થી પાંચમો સેટ જીતી મેચ 3-2થી પોતાના નામે કરી હતી.

ચાઈનીઝ તાઇપેનો સીધા સેટમાં વિજય

પૂલ-એની બીજી મેચમાં ચાઈનીઝ તાઇપેએ ન્યૂઝીલેન્ડ સામે એકતરફી પ્રદર્શન કર્યું હતું. ચાઈનીઝ તાઇપેએ પ્રથમ સેટ 25-19થી જીત્યો હતો. ત્યારબાદ બીજા સેટમાં 25-23 અને ત્રીજા સેટમાં 25-22થી જીત મેળવી 3-0થી મેચ પોતાના નામે કરી હતી. આ જીતથી ટીમના છ પોઇન્ટ થયા છે.

પોઇન્ટ ટેબલમાં ભારત મજબૂત સ્થિતિમાં

પૂલ-એમાં ભારત ચાર મેચમાંથી ચારેય જીત સાથે 12 પોઇન્ટ મેળવી પ્રથમ સ્થાને છે. બહેરિન અને ચાઈનીઝ તાઇપે છ-છ પોઇન્ટ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. કઝાખસ્તાન ચોથા, ન્યૂઝીલેન્ડ પાંચમા અને ઓસ્ટ્રેલિયા છઠ્ઠા સ્થાને છે.

આજે ઓસ્ટ્રેલિયા સામે ભારતની ટક્કર

ભારતીય ટીમ આજે રાત્રે 9 વાગ્યે ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે. અત્યાર સુધી અપરાજિત રહેલી ભારતીય ટીમ વધુ એક જીત સાથે પૂલ તબક્કાનો અંત મજબૂત રીતે કરવા પ્રયાસ કરશે. સ્થાનિક દર્શકોને પણ આ મુકાબલામાં ભારત પાસેથી વધુ એક શાનદાર પ્રદર્શનની અપેક્ષા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *