સેમિફાઇનલમાં ગુજરાત અને મિઝોરમની ટીમોનો દબદબો, 28 જૂને રમાશે ખિતાબી મુકાબલો

ભાવનગર:
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી)ના ભાવનગર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26માં સેમિફાઇનલના રોમાંચક મુકાબલાઓ બાદ ગુજરાતની પ્રોગ્રેસિવ એસએ અને મિઝોરમની ત્લંગ્નુયમ એફસી ફાઇનલમાં પહોંચી છે. બંને ટીમોએ પોતાના પ્રતિસ્પર્ધીઓને એકતરફી અંદાજમાં હરાવી ખિતાબી જંગમાં સ્થાન મેળવ્યું છે.
ત્લંગ્નુયમ એફસીનો ડિફેન્ડિંગ ચેમ્પિયન પર દબદબો
પ્રથમ સેમિફાઇનલમાં ત્લંગ્નુયમ એફસી (મિઝોરમ)એ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગોલ હન્ટર્સ (દિલ્હી)ને 10-4ના જંગી અંતરથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મિઝોરમની ટીમે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી અને ગોલ હન્ટર્સને કોઈ તક આપી નહોતી.
ત્લંગ્નુયમ એફસી તરફથી ડેવિડ લાલટીઅનસંગાએ ચાર ગોલ ફટકાર્યા હતા. લાલરેમતીઉંગા અને જયેશ સુથારે બે-બે ગોલ નોંધાવ્યા હતા, જ્યારે પી.સી. લાલ રેમૃતા અને કે. રોલુહપુલાએ એક-એક ગોલ કરીને ટીમના વિજયમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. ગોલ હન્ટર્સ તરફથી મહિપ અધિકારી, અંશ ગુપ્તા, બીજોય ગોસાઈ અને માનવ શર્માએ એક-એક ગોલ કર્યો હતો.
પ્રોગ્રેસિવ એસએનો શાનદાર દેખાવ, કર્ણાટકને 8-5થી હરાવ્યું
બીજી સેમિફાઇનલમાં પ્રોગ્રેસિવ એસએ (ગુજરાત) અને સાઉથ કોસ્ટલ યુનાઇટેડ એફસી (કર્ણાટક) વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. પ્રથમ હાફ પૂર્ણ થતાં બંને ટીમો 2-2ની બરાબરી પર હતી, પરંતુ બીજા હાફમાં ગુજરાતની ટીમે આક્રમક રમત રમી મેચ પોતાના નામે કરી લીધી.
પ્રોગ્રેસિવ એસએના નિખિલ મલીએ ચોથી, 28મી અને 35મી મિનિટે ગોલ ફટકારી હેટ્રિક નોંધાવી હતી. ગૌરવ કનકોરકરે નવમી, 37મી, 38મી અને 39મી મિનિટે ચાર ગોલ કરીને ટીમની જીતને વધુ મજબૂત બનાવી હતી. અમન શાહે 32મી મિનિટે એક ગોલ નોંધાવ્યો હતો. અંતે પ્રોગ્રેસિવ એસએએ 8-5થી વિજય મેળવી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું.
28 જૂને ખિતાબ માટે જંગ
હવે ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26ની ફાઇનલમાં ગુજરાતની પ્રોગ્રેસિવ એસએ અને મિઝોરમની ત્લંગ્નુયમ એફસી વચ્ચે રોમાંચક ટક્કર થશે. આ ખિતાબી મુકાબલો 28 જૂન, 2026ના રોજ સાંજે 6:00 વાગ્યે ભાવનગરના એસએજી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર ફોર્મમાં રહી હોવાથી ફાઇનલ અત્યંત રોમાંચક બનવાની અપેક્ષા છે.
