ઓમાન અને ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવી ઇન્ડોનેશિયા તથા બહેરીન અંતિમ ચારમાં; શનિવારે અમદાવાદમાં ભારત-ઇન્ડોનેશિયા અને કોરિયા-બહેરીન વચ્ચે સેમિફાઇનલ
અમદાવાદ:
અમદાવાદમાં યોજાઈ રહેલી એવીસી મેન્સ કપ-2026માં શુક્રવારે રમાયેલી પ્રિલિમિનરી તબક્કાની અંતિમ બે મેચો બાદ સેમિફાઇનલનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. પૂલ-બીમાં ઇન્ડોનેશિયાએ ઓમાનને 3-1થી હરાવી અંતિમ ચારમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે પૂલ-એમાં બહેરીને ઓસ્ટ્રેલિયાને પણ 3-1થી પરાજય આપી સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. હવે શનિવાર, 27 જૂને અમદાવાદના ઇન્ડોર સ્ટેડિયમમાં ભારતનો સામનો ઇન્ડોનેશિયા સામે થશે, જ્યારે પ્રથમ સેમિફાઇનલમાં કોરિયા અને બહેરીન આમને-સામને આવશે.
ઇન્ડોનેશિયાએ ઓમાન સામે દેખાડ્યો દમ
દિવસની પ્રથમ મેચમાં ઇન્ડોનેશિયાએ ઓમાન સામે 25-23, 20-25, 25-19 અને 25-21ના સેટથી 3-1થી જીત મેળવી હતી. પ્રથમ સેટમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, જેમાં ઇન્ડોનેશિયાએ બે પોઇન્ટના અંતરથી જીત મેળવી હતી. જોકે ઓમાને બીજા સેટમાં 25-20થી વાપસી કરીને મેચ 1-1થી બરાબર કરી હતી.
ત્રીજા અને ચોથા સેટમાં ઇન્ડોનેશિયાના ખેલાડીઓએ આક્રમક રમત સાથે સતત લીડ જાળવી રાખી હતી અને ઓમાનને વધુ તક આપી નહોતી. પરિણામે ઇન્ડોનેશિયાએ મેચ જીતીને સેમિફાઇનલની ટિકિટ મેળવી હતી

ફરહાન અને બોયે જીતમાં ભજવી મુખ્ય ભૂમિકા
ઇન્ડોનેશિયાની જીતમાં ફરહાન સૌથી સફળ સ્કોરર રહ્યો હતો. તેણે એકલા 22 પોઇન્ટ નોંધાવી ટીમને મજબૂત આધાર આપ્યો હતો. બોયે પણ 17 પોઇન્ટ મેળવી મહત્વનું યોગદાન આપ્યું હતું.
ઓમાન તરફથી માજિદે 21 પોઇન્ટ સાથે જોરદાર લડત આપી હતી, જ્યારે જુનિયર એડમે 17 પોઇન્ટ નોંધાવ્યા હતા. ટીમે સારો પ્રયાસ કર્યો છતાં નિર્ણાયક ક્ષણોમાં ઇન્ડોનેશિયાની મજબૂત રમત સામે ટકી શકી નહોતી.
મેચના આંકડાઓમાં પણ ઇન્ડોનેશિયાને આક્રમણમાં થોડો ફાયદો મળ્યો હતો. ઇન્ડોનેશિયાએ 56 એટેક પોઇન્ટ નોંધાવ્યા હતા, જ્યારે ઓમાને 54 પોઇન્ટ મેળવ્યા હતા. બંને ટીમોએ 9-9 બ્લોક પોઇન્ટ નોંધાવ્યા હતા.
બહેરીને ઓસ્ટ્રેલિયાને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો
સાંજે રમાયેલી બીજી મેચમાં બહેરીને ઓસ્ટ્રેલિયાને 25-18, 26-28, 25-19 અને 25-21થી હરાવી 3-1થી વિજય મેળવ્યો હતો. પ્રથમ સેટમાં બહેરીને શરૂઆતથી જ દબદબો જમાવ્યો હતો. બીજા સેટમાં ઓસ્ટ્રેલિયાએ 28-26થી જીત મેળવી મેચમાં બરાબરી કરી હતી, પરંતુ ત્યારબાદ બહેરીને પોતાની રમત વધુ મજબૂત બનાવી સતત બે સેટ જીતી સેમિફાઇનલમાં સ્થાન પાકું કર્યું હતું.
સૈયદનું શાનદાર પ્રદર્શન
બહેરીનની જીતમાં સૈયદે સર્વાધિક 24 પોઇન્ટ નોંધાવ્યા હતા અને ટીમના સૌથી સફળ ખેલાડી રહ્યા હતા. એચ. મોહમ્મદે પણ 11 પોઇન્ટનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
ઓસ્ટ્રેલિયા તરફથી લેન્ડર્સે 14 અને ફ્લાવરડેએ 13 પોઇન્ટ નોંધાવ્યા હતા, પરંતુ ટીમને જીત અપાવવા તે પૂરતા સાબિત થયા નહોતા. બહેરીને આક્રમણમાં 58 પોઇન્ટ નોંધાવ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયા માત્ર 43 એટેક પોઇન્ટ સુધી જ સીમિત રહ્યું હતું.
આજે સેમિફાઇનલમાં ભારત સામે ઇન્ડોનેશિયા
શનિવાર, 27 જૂને અમદાવાદમાં ટૂર્નામેન્ટના નિર્ણાયક મુકાબલા રમાશે. બપોરે 12:30 વાગ્યે નવમા-દસમા સ્થાન માટેની મેચ યોજાશે. ત્યારબાદ બપોરે 3:30 વાગ્યે પ્રથમ સેમિફાઇનલમાં કોરિયા અને બહેરીન આમને-સામને આવશે. દિવસની સૌથી મહત્વપૂર્ણ મેચ સાંજે 7 વાગ્યે રમાશે, જેમાં યજમાન ભારતનો મુકાબલો ઇન્ડોનેશિયા સામે થશે.
ભારતીય ટીમ અત્યાર સુધી સમગ્ર ટૂર્નામેન્ટમાં અપરાજિત રહી છે અને ઘરઆંગણે રમવાનો લાભ ઉઠાવી ફાઇનલમાં સ્થાન મેળવવાના આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ ઇન્ડોનેશિયા પણ સતત સારા દેખાવ બાદ ભારત સામે કડક પડકાર ઉભો કરવા તૈયાર છે. બંને સેમિફાઇનલને લઈને વોલીબોલપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
