એવીસી મેન્સ કપ-2026 : સેમિફાઇનલમાં ભારતનો ઇન્ડોનેશિયા સામે 3-2થી પરાજય, આજે બ્રોન્ઝ માટે બહેરીન સામે જંગ

Spread the love

પાંચ સેટ સુધી ખેંચાયેલા રોમાંચક મુકાબલામાં ભારતની ફાઇનલની આશા તૂટી; કોરિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે આજે ખિતાબી મુકાબલો

અમદાવાદ

અમદાવાદમાં રમાઈ રહેલી એવીસી મેન્સ કપ-2026 વોલીબોલ ચેમ્પિયનશિપમાં ભારતની ફાઇનલમાં પહોંચવાની આશા અધૂરી રહી છે. બીજી સેમિફાઇનલમાં ભારતને ઇન્ડોનેશિયા સામે પાંચ સેટ સુધી ચાલેલા જંગી મુકાબલામાં 3-2થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો વચ્ચે દરેક પોઇન્ટ માટે કાંટાની ટક્કર જોવા મળી હતી, પરંતુ નિર્ણાયક પાંચમા સેટમાં ઇન્ડોનેશિયાએ સંયમભરી રમતનું પ્રદર્શન કરીને જીત પોતાના નામે કરી હતી. હવે ભારતીય ટીમ આજે બ્રોન્ઝ મેડલ માટે બહેરીન સામે મેદાનમાં ઉતરશે.

ભારતે શાનદાર શરૂઆત કરી

મેચના પ્રથમ સેટમાં ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. મજબૂત સર્વિસ, અસરકારક સ્મેશ અને ઉત્તમ બ્લોકિંગના આધારે ભારતે ઇન્ડોનેશિયાને દબાણમાં રાખીને 25-15થી સેટ પોતાના નામે કર્યો હતો. પ્રથમ સેટમાં ભારતનો દબદબો સ્પષ્ટ જોવા મળ્યો હતો અને ટીમે આત્મવિશ્વાસભર્યો દેખાવ કર્યો હતો.

ઇન્ડોનેશિયાની જોરદાર વાપસી

પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ઇન્ડોનેશિયાએ પોતાની રમતની ગતિ વધારી હતી. બીજા સેટમાં બંને ટીમો વચ્ચે પોઇન્ટ માટે જબરદસ્ત સંઘર્ષ જોવા મળ્યો હતો. અંતે ઇન્ડોનેશિયાએ 26-24થી સેટ જીતી મેચમાં 1-1ની બરાબરી સાધી હતી. ત્યારબાદ ત્રીજા સેટમાં પણ ઇન્ડોનેશિયાએ લય જાળવી રાખી અને 25-20થી જીત મેળવી 2-1ની સરસાઈ મેળવી હતી.

ચોથા સેટમાં ભારતની દમદાર વાપસી

પરાજયના આરે પહોંચેલી ભારતીય ટીમે ચોથા સેટમાં જોરદાર વાપસી કરી હતી. ચિરાગ અને જેરોમે સતત આક્રમક હુમલાઓ કરીને ઇન્ડોનેશિયાના સંરક્ષણને પડકાર આપ્યો હતો. ભારતીય ખેલાડીઓના મજબૂત બ્લોકિંગ અને ટીમવર્કના કારણે ભારતે 25-19થી સેટ જીતી મેચને નિર્ણાયક પાંચમા સેટ સુધી ખેંચી હતી.

નિર્ણાયક સેટમાં ઇન્ડોનેશિયાનો વિજય

પાંચમા અને નિર્ણાયક સેટમાં બંને ટીમો વચ્ચે અંત સુધી કાંટાની ટક્કર જોવા મળી હતી. જોકે, નિર્ણાયક ક્ષણોમાં ઇન્ડોનેશિયાએ વધુ સંયમ અને ચોકસાઈ સાથે રમત રમી 15-13થી સેટ જીતી લીધો હતો. આ જીત સાથે ઇન્ડોનેશિયાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે ભારતને બ્રોન્ઝ મેડલ માટેની મેચ રમવાનો વારો આવ્યો છે.

મેચના આંકડાઓમાં પણ કાંટાની ટક્કર

મેચના આંકડાઓ પર નજર કરીએ તો હુમલામાં ઇન્ડોનેશિયાએ 66 પોઇન્ટ નોંધાવ્યા હતા, જ્યારે ભારતે 63 પોઇન્ટ મેળવ્યા હતા. જોકે બ્લોકિંગમાં ભારતે 17 પોઇન્ટ મેળવી ઇન્ડોનેશિયાના 10 પોઇન્ટ કરતાં નોંધપાત્ર સરસાઈ મેળવી હતી. બંને ટીમોએ સર્વિસથી બે-બે પોઇન્ટ મેળવ્યા હતા. વિરોધી ટીમની ભૂલોના આધારે ભારતને 25 અને ઇન્ડોનેશિયાને 22 પોઇન્ટ મળ્યા હતા. વ્યક્તિગત પ્રદર્શનમાં ભારત તરફથી ચિરાગે સર્વાધિક 20 અને જેરોમે 19 પોઇન્ટ નોંધાવ્યા હતા. ઇન્ડોનેશિયાના બોયે મેચમાં સૌથી વધુ 26 પોઇન્ટ નોંધાવ્યા હતા, જ્યારે નિબ્રાસે 19 પોઇન્ટનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

આજે ચાર નિર્ણાયક મુકાબલા

ટૂર્નામેન્ટના અંતિમ દિવસે આજે ચાર મહત્વપૂર્ણ મેચો રમાશે. સવારે 9:30 વાગ્યે ચાઇનીઝ તાઇપે અને કતાર વચ્ચે સાતમા સ્થાન માટેનો મુકાબલો રમાશે. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે કઝાકિસ્તાન અને થાઇલેન્ડ પાંચમા સ્થાન માટે ટક્કર લેશે. ભારતીય ચાહકોની નજર બપોરે 3:30 વાગ્યે રમાનારી ભારત અને બહેરીન વચ્ચેની બ્રોન્ઝ મેડલ મેચ પર રહેશે. જ્યારે સાંજે 7 વાગ્યે કોરિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે ટૂર્નામેન્ટની ખિતાબી ફાઇનલ રમાશે.

આજે નવી ચેમ્પિયન ટીમ મળશે

અમદાવાદમાં એક સપ્તાહથી વધુ સમય સુધી ચાલેલી આ આંતરરાષ્ટ્રીય વોલીબોલ સ્પર્ધાનો આજે સમાપન થશે. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન એશિયાની શ્રેષ્ઠ ટીમો વચ્ચે ઉચ્ચ કક્ષાની સ્પર્ધા અને અનેક રોમાંચક મુકાબલાઓ જોવા મળ્યા હતા. આજે રમાનારી ચારેય મેચો બાદ તમામ સ્થાનનો નિર્ણય થશે અને એવીસી મેન્સ કપ-2026ને તેનો નવો ચેમ્પિયન મળશે. ભારતીય ટીમ હવે બ્રોન્ઝ મેડલ જીતીને ઘરઆંગણે ટૂર્નામેન્ટનો અંત યાદગાર બનાવવાનો પ્રયાસ કરશે.

28 જૂનનો કાર્યક્રમ

સમયમુકાબલોસ્થાન
સવારે 9:30ચાઇનીઝ તાઇપે vs કતાર7મું સ્થાન
બપોરે 12:30કઝાકિસ્તાન vs થાઇલેન્ડ5મું સ્થાન
બપોરે 3:30ભારત vs બહેરીનબ્રોન્ઝ મેડલ (3રું સ્થાન)
સાંજે 7:00કોરિયા vs ઇન્ડોનેશિયાફાઇનલ (ખિતાબી મુકાબલો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *