એવીસી મેન્સ કપ-2026 : ઇન્ડોનેશિયાનો કોરિયાને સીધા સેટમાં ખિતાબ પર કબજો

Spread the love

રોમાંચક પ્રથમ સેટ બાદ ઇન્ડોનેશિયાનું સંપૂર્ણ પ્રભુત્વ; કોરિયાને 3-0થી પરાજય

અમદાવાદ

અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી એવીસી મેન્સ કપ-2026ની ફાઇનલમાં ઇન્ડોનેશિયાએ દક્ષિણ કોરિયાને સતત ત્રણ સેટમાં 3-0 (34-32, 25-16, 25-23)થી હરાવી ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું. 1 કલાક 40 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ઇન્ડોનેશિયાએ દરેક વિભાગમાં શાનદાર રમત બતાવી હતી.

પ્રથમ સેટમાં જબરદસ્ત ટક્કર

મેચનો પ્રથમ સેટ બંને ટીમો વચ્ચે અત્યંત રોમાંચક રહ્યો હતો. બંને પક્ષે સતત પોઈન્ટોની આપ-લે વચ્ચે સેટ ડ્યૂસ સુધી પહોંચ્યો હતો. અંતે ઇન્ડોનેશિયાએ 34-32થી સેટ જીતી મહત્વની સરસાઈ મેળવી હતી. આ સેટ મેચનું ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.

બીજા સેટમાં ઇન્ડોનેશિયાનું સંપૂર્ણ વર્ચસ્વ

પ્રથમ સેટ જીત્યા બાદ ઇન્ડોનેશિયાનો આત્મવિશ્વાસ વધ્યો હતો. બીજા સેટમાં તેણે આક્રમક રમત રમી કોરિયાને માત્ર 16 પોઈન્ટ સુધી મર્યાદિત રાખીને 25-16થી સરળ જીત મેળવી હતી. બ્લોકિંગ અને સર્વિસમાં ઇન્ડોનેશિયાએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.

ત્રીજા સેટમાં ખિતાબ પર મહોર

ત્રીજા સેટમાં કોરિયાએ વાપસીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિર્ણાયક ક્ષણોમાં ઇન્ડોનેશિયાના ખેલાડીઓ વધુ અસરકારક રહ્યા હતા. 25-23થી સેટ જીતતા ઇન્ડોનેશિયાએ સતત ત્રણ સેટમાં મેચ પોતાના નામે કરી ખિતાબ જીતી લીધો.

બોય અને રમાનું શાનદાર યોગદાન

ઇન્ડોનેશિયા માટે આઉટસાઇડ હિટર બોયે સર્વાધિક 17 પોઈન્ટ નોંધાવ્યા હતા, જ્યારે ઓપોઝિટ રમાએ 15 અને ફરહાને 14 પોઈન્ટ ઉમેર્યા હતા. કોરિયા તરફથી હોજિને 15 અને હાન્યોંગે 12 પોઈન્ટ નોંધાવ્યા હતા, પરંતુ તેમને અન્ય ખેલાડીઓનો પૂરતો સાથ મળ્યો નહોતો.

આંકડાઓમાં ઇન્ડોનેશિયાનું પ્રભુત્વ

મેચ દરમિયાન ઇન્ડોનેશિયાએ 44 એટેક પોઈન્ટ, 10 બ્લોક અને 7 એસ સર્વિસ નોંધાવી કુલ 84 પોઈન્ટ મેળવ્યા હતા. કોરિયાએ 46 એટેક પોઈન્ટ કર્યા હોવા છતાં માત્ર 6 બ્લોક અને 2 એસ સર્વિસ કરી કુલ 71 પોઈન્ટ જ મેળવી શક્યું. વિરોધીની ભૂલોમાંથી પણ ઇન્ડોનેશિયાને 23 પોઈન્ટ મળ્યા હતા, જ્યારે કોરિયાને 17 પોઈન્ટ મળ્યા હતા.

અમદાવાદમાં સફળ આયોજન

આશરે 1,500 દર્શકોની હાજરીમાં યોજાયેલી ફાઇનલ સાથે એવીસી મેન્સ કપ-2026નો સફળ સમાપન થયો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમદાવાદે એશિયાની શ્રેષ્ઠ વોલીબોલ ટીમોની જોરદાર સ્પર્ધાનો સાક્ષી બની રમતપ્રેમીઓને યાદગાર ક્ષણો આપી. ઇન્ડોનેશિયાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં સતત સ્થિર અને આક્રમક રમતના બળે ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *