ડિજિટલ ગવર્નન્સનો નવો યુગ: ગાંધીનગરમાં ‘પીએમ ફેમિલી કેર ટ્રેકર’ અને ‘હેલ્થ પાસપોર્ટ’નો ઐતિહાસિક પ્રારંભ

Spread the love

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરાયો; માતાના ગર્ભથી લઈને ૧૬ વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થ્ય-શિક્ષણનું આઈટી માધ્યમથી સચોટ ટ્રેકિંગ થશે

ગાંધીનગર:

દેશના શાસન અને જનકલ્યાણના ઇતિહાસમાં વર્ષ ૨૦૧૪ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ વર્ષ સાબિત થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની શિક્ષણનીતિ, અર્થતંત્ર અને ઔદ્યોગિક વિકાસ સહિત દરેક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. સરકારી વ્યવસ્થામાં આવેલી પારદર્શિતાના કારણે આજે દિલ્હીથી નીકળેલો પૂરેપૂરો રૂપિયો સીધો ગરીબોના બેંક ખાતામાં જમા થાય છે. આ કલ્યાણકારી પ્રવાહને વધુ વેગ આપતા ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે એક વિશેષ સંકલિત ડિજિટલ પ્લેટફોર્મ ‘પીએમ – ફેમિલી કેર ટ્રેકર’ (PM-FCT) અને ‘હેલ્થ પાસપોર્ટ’ સેવાનો પ્રાયોગિક ધોરણે પ્રારંભ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી આ નવતર પ્રોજેક્ટનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, સરકારે છેલ્લા ૧૨ વર્ષમાં દેશના ૭૦ કરોડ ગરીબોને ઘર, વીજળી, નળથી જળ, શૌચાલય, ગેસ સિલિન્ડર, મફત અનાજ અને ૫ લાખ સુધીની મફત સારવાર આપીને પાંચ-પાંચ પેઢીઓનું સપનું સાકાર કર્યું છે. મહાત્મા ગાંધીના ‘રામરાજ્ય’ની વ્યાખ્યાને સાર્થક કરતા તેમણે ઉમેર્યું કે, માત્ર યોજનાઓ બનાવવી પૂરતી નથી, પરંતુ પ્રજાની ચિંતા અને માવજત કરવી તે સાચું શાસન છે.

જન્મથી શિક્ષણ સુધીની તમામ બાબતોનું એકીકરણ

આ જટિલ સિસ્ટમ અને સોફ્ટવેર વિશે માહિતી આપતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે, આ ટ્રેકરના માધ્યમથી જન્મ-મૃત્યુ, સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણ અને સમાજ કલ્યાણ જેવા તમામ વિભાગોના ડેટાબેઝને એક કોમ્પ્યુટર પ્રણાલીમાં સાંકળી લેવાયા છે. જો કોઈ બાળક રસીકરણથી વંચિત રહી જશે કે કોઈ બાળકી શાળાએ જવાનું બંધ કરશે, તો તુરંત જ સિસ્ટમમાં એલર્ટ જનરેટ થશે. સ્થાનિક અધિકારીઓથી લઈને ધારાસભ્ય અને સાંસદ સુધી નામ ફ્લેશ થતાં જ સ્વયંસેવકો અને તંત્ર બાળકના ઘરે પહોંચી તેની સુવિધા સુનિશ્ચિત કરશે. માતાના ગર્ભથી લઈને ૧૬ વર્ષના બાળક સુધીના સ્વાસ્થ્ય અને પોષણનું આઈટી માધ્યમથી સચોટ ટ્રેકિંગ થશે.

હોલિસ્ટિક હેલ્થકેર તરફ આગળ વધતું ગુજરાત

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ યોજના ગર્ભથી ગૌરવપૂર્ણ યુવાની સુધી બાળક અને માતાના જીવનને સુરક્ષિત અને સ્વસ્થ બનાવવાના નવા યુગની શરૂઆત છે. સરકારે દેશમાં સારવાર આધારિત વ્યવસ્થાથી આગળ વધીને ‘હોલિસ્ટિક હેલ્થકેર’નો અભિગમ અપનાવ્યો છે. સરકારે પ્રિવેન્ટિવ, પ્રોમોટિવ, એફોર્ડેબલ અને ડિજિટલ હેલ્થકેર જેવા ચાર મુખ્ય આધાર સ્તંભથી ૧૪૦ કરોડ દેશવાસીઓના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે માતા અને બાળ મૃત્યુદર ઘટાડવામાં તથા કુપોષણ નિવારવામાં આ ટ્રેકર નવો માઈલસ્ટોન પ્રસ્થાપિત કરશે.

૧૮ વર્ષ સુધીની સ્વાસ્થ્ય વિગતો ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ રહેશે

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, ગુજરાત આજે દેશભરમાં હેલ્થ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાતના આરોગ્ય, મહિલા-બાળ વિકાસ તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત સમન્વયથી આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો છે, જે ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં લાગુ કરાશે. આ યોજના હેઠળ બાળકના જન્મથી જ એક વિશેષ ‘હેલ્થ પાસપોર્ટ’ કાર્ડ બનશે, જેમાં તેના ૧૮ વર્ષ સુધીના આનુવંશિક અને અન્ય રોગોના નિદાન તથા સારવારની વિગતો ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ રહેશે.

આ ઐતિહાસિક પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે પ્રથમ ત્રણ લાભાર્થીઓને સત્તાવાર ડિજિટલ પત્રક અને ‘હેલ્થ પાસપોર્ટ’ એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ બાળકો, ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું. આ સાથે જ ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે ‘PM eBus Sewa’નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગૌરવવંતા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર મીરા પટેલ સહિત ઉચ્ચ વહીવટી અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *