ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26 : ગુજરાતની પ્રોગ્રેસિવ એસએ રનર-અપ, મિઝોરમની ત્લંગ્નુયમ એફસી ચેમ્પિયન

Spread the love

ફાઇનલમાં ત્લંગ્નુયમ એફસીએ પ્રોગ્રેસિવ એસએને 9-5થી હરાવી ખિતાબ જીત્યો

ભાવનગર:

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), ભાવનગરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26ની ફાઇનલમાં ગુજરાતની પ્રોગ્રેસિવ એસએનું ચેમ્પિયન બનવાનું સ્વપ્ન અધૂરું રહ્યું. મિઝોરમની ત્લંગ્નુયમ એફસીએ શાનદાર રમતના દમ પર પ્રોગ્રેસિવ એસએને 9-5થી પરાજય આપી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. ગુજરાતની ટીમે રનર-અપ ટ્રોફી સાથે સંતોષ માનવો પડ્યો.

શરૂઆતથી જ આક્રમક રમત

ફાઇનલ મુકાબલાની શરૂઆતથી જ બંને ટીમોએ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. મેચની સાતમી મિનિટે ત્લંગ્નુયમ એફસીના લાલરેમતીઉંગાએ ગોલ કરીને ટીમને પ્રથમ લીડ અપાવી હતી. ત્યારબાદ 12મી મિનિટે લાલસંગખીમાએ વધુ એક ગોલ કરીને સ્કોર 2-0 કર્યો હતો. જોકે તે જ મિનિટે ગુજરાતની પ્રોગ્રેસિવ એસએ તરફથી નિખિલ મળીએ ગોલ નોંધાવી સ્કોર 2-1 કર્યો હતો. પ્રથમ હાફ પૂર્ણ થતાં ત્લંગ્નુયમ એફસી 3-2થી આગળ હતી.

બીજા હાફમાં મિઝોરમની ટીમનું વર્ચસ્વ

બીજા હાફમાં ત્લંગ્નુયમ એફસીએ મેચ પર સંપૂર્ણ પકડ જમાવી હતી. ટીમ તરફથી લાલરેમતીઉંગા, લાલસંગખીમા અને ડેવિડ લાલતીયંસંગાએ બે-બે ગોલ નોંધાવ્યા હતા. જ્યારે કિરણ છત્રી, પી.સી. લાલરેયમરૂયતા અને કે. રોલુયાહપુતાએ એક-એક ગોલ કરીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

પ્રોગ્રેસિવ એસએ તરફથી ચૈતન કોમરપાંતે બે ગોલ કર્યા હતા. જ્યારે નિખિલ મળી, લાલસાવ્મ્પુતા અને અમન શાહે એક-એક ગોલ નોંધાવ્યો હતો. તેમ છતાં ગુજરાતની ટીમ મિઝોરમની ઝડપી અને અસરકારક રમત સામે ટકી શકી નહોતી અને અંતે 9-5થી પરાજિત થઈ હતી.

વિજેતા અને રનર-અપ ટીમનું સન્માન

ફાઇનલ બાદ ચેમ્પિયન ત્લંગ્નુયમ એફસી તથા રનર-અપ પ્રોગ્રેસિવ એસએને ટ્રોફી, મેડલ અને રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારો AIFFના પ્રમુખ કલ્યાણ ચોબે, બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તથા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સચિવ મૂળરાજસિંહ ચુડાસમાના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *