નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય પરિષદની બેઠકમાં ગુજરાતના આરોગ્ય હિતના મુદ્દાઓ ઉઠાવાયા

Spread the love

રાજકોટ AIIMSમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ભેળસેળ સામે કડક કાયદો અને એન્ટિબાયોટિક્સના નિયંત્રણ માટે કેન્દ્ર સમક્ષ રજૂઆત

નવી દિલ્હી

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ (CCHFW)ની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કર્યા.

બેઠક દરમિયાન આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ આરોગ્ય સેવાઓને વધુ ટેક્નોલોજી આધારિત અને સુલભ બનાવવા માટે વિવિધ ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ “એનીમિયા મુક્ત ભારત” અભિયાનની માર્ગદર્શિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું, જે કુપોષણમુક્ત અને સ્વસ્થ ભારતના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવ્યું.

આ બેઠકમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓને ઉચ્ચ સ્તરની સારવાર તેમના વિસ્તારમાં જ ઉપલબ્ધ બને તે માટે ઓ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સુવિધા શરૂ કરવાની માંગણી કરી. તેમણે જણાવ્યું કે આ સુવિધા શરૂ થતાં પશ્ચિમ ગુજરાતના હજારો દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવારનો લાભ મળશે.

તેમણે ખાદ્યપદાર્થો અને દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006માં જરૂરી સુધારા કરવાની ભલામણ કરી. તેમણે જણાવ્યું કે ભેળસેળ જેવા ગંભીર ગુનાઓને અટકાવવા માટે વધુ નિરોધાત્મક અને કડક કાનૂની જોગવાઈઓની જરૂર છે.

આ ઉપરાંત, એન્ટિબાયોટિક્સના વધતા અને અનિયંત્રિત ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે તેના કારણે એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જેવી ગંભીર સમસ્યા ઉભી થઈ રહી છે. તેમણે દેશવ્યાપી સ્તરે એન્ટિબાયોટિક્સના જવાબદાર અને નિયંત્રિત ઉપયોગ માટે અસરકારક નીતિ તથા તેના કડક અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે ગુજરાત સરકાર દરેક નાગરિક સુધી ગુણવત્તાસભર, સુલભ અને આધુનિક આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકારના ડિજિટલ હેલ્થ મિશનને વેગ આપીને રાજ્યના તમામ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા ગુજરાત સરકાર સતત કાર્યરત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *