પીડીસી એશિયન ચેમ્પિયનશિપ ઈન્ડિયા ક્વોલિફાયરમાં નીતિન કુમાર વિજેતા

Spread the love

ચીનના ચિંગદાઓમાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ, અમદાવાદમાં છ દિવસીય ડાર્ટ્સ મહોત્સવનો ભવ્ય સમાપન

અમદાવાદ

અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલ દ્વારા આયોજિત છ દિવસીય ડાર્ટ્સ મહોત્સવનું સફળ સમાપન થયું છે. મહોત્સવના અંતિમ દિવસે યોજાયેલી પીડીસી એશિયન ચેમ્પિયનશિપ (ઈન્ડિયા ક્વોલિફાયર)માં નીતિન કુમાર શાનદાર પ્રદર્શન કરીને વિજેતા થયો છે. આ જીત સાથે તે ચીનના ચિંગદાઓ ખાતે યોજાનારી પીડીસી એશિયન ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ત્રણ ટૂર ઈવેન્ટમાં સતત શાનદાર દેખાવ

પીડીસી એશિયન ચેમ્પિયનશિપ માટે યોજાયેલા ત્રણ ટૂર ઈવેન્ટ્સમાં નીતિન કુમારે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. તેણે ત્રણમાંથી બે ટૂર ઈવેન્ટમાં વિજય મેળવ્યો હતો, જ્યારે એક ઈવેન્ટમાં ફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. સતત શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે તે કુલ વિજેતા બન્યો હતો. તેની આ સિદ્ધિ ભારતીય ડાર્ટ્સ માટે પણ ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.

ઈનામી રકમ અને આંતરરાષ્ટ્રીય તક

વિજેતા તરીકે નીતિન કુમારને ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલ તરફથી રૂ. 25 હજારની પ્રાઈઝમની એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત તેમને પીડીસી દ્વારા 750 અમેરિકન ડૉલરની ખાતરીપૂર્વકની ઈનામી રકમ પણ મળશે. ચીનમાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપમાં તે ખિતાબ જીતવામાં સફળ રહેશે તો તેમને 12 હજાર અમેરિકન ડૉલરની પ્રાઈઝમની જીતવાની તક પણ મળશે. આ સ્પર્ધા તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દી માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ શકે છે.

છ દિવસ સુધી ચાલ્યો ડાર્ટ્સનો મહોત્સવ

આ ડાર્ટ્સ મહોત્સવની શરૂઆત 25 જૂનના રોજ કર્ણાવતી ક્લબ ખાતે વિશેષ સ્પર્ધા સાથે થઈ હતી. આ સ્પર્ધામાં કર્ણાવતી ક્લબના સભ્યો તેમજ ગુજરાત હાઈકોર્ટના મિટ્ટી કાફેના કર્મચારીઓએ ભાગ લીધો હતો. ત્યારબાદ નેશનલ રેન્કિંગ ડાર્ટ્સ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અને અંતે પીડીસી એશિયન ચેમ્પિયનશિપ (ઈન્ડિયા ક્વોલિફાયર) સાથે સમગ્ર મહોત્સવનું સમાપન થયું.

રેકોર્ડ પ્રાઈઝમની સાથે નેશનલ રેન્કિંગ ટૂર્નામેન્ટ

ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલે સમગ્ર ટૂર્નામેન્ટ માટે રૂ. 4 લાખથી વધુની પ્રાઈઝમની જાહેર કરી હતી, જે દેશની કોઈપણ નેશનલ રેન્કિંગ ડાર્ટ્સ ટૂર્નામેન્ટ માટે અત્યાર સુધીની સૌથી મોટી ઈનામી રકમ હોવાનું જણાવાયું છે. નેશનલ રેન્કિંગ સ્પર્ધામાં નિખિલ રૉયે સિંગલ્સમાં વિજેતા બની રૂ. 40 હજારની પ્રાઈઝમની મેળવી હતી, જ્યારે ડબલ્સ ઈવેન્ટમાં વિજય બદલ રૂ. 20 હજારનું ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું.

દેશભરમાંથી ખેલાડીઓનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ

આ છ દિવસીય ડાર્ટ્સ મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 150થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓ વચ્ચે ઉચ્ચ કક્ષાની રમત જોવા મળી હતી. અમદાવાદમાં યોજાયેલ આ આયોજન દેશની સૌથી લાંબી અવધિ સુધી ચાલનારી ડાર્ટ્સ ટૂર્નામેન્ટ તરીકે પણ નોંધાયું છે. ખેલાડીઓ અને આયોજકોએ આ સ્પર્ધાને ભારતીય ડાર્ટ્સ રમતના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. આયોજકોના જણાવ્યા અનુસાર, આવી આંતરરાષ્ટ્રીય સ્તરની ક્વોલિફાયર સ્પર્ધાઓના આયોજનથી ગુજરાતમાં ડાર્ટ્સ રમતને નવી ઓળખ અને પ્રોત્સાહન મળશે તેમજ યુવા ખેલાડીઓને વૈશ્વિક મંચ સુધી પહોંચવાની વધુ તકો ઉપલબ્ધ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *