16મા સ્થાપના દિવસની ઉજવણીમાં શિક્ષક શિક્ષણના નવા અભ્યાસક્રમોનું લોકાર્પણ, AI આધારિત શિક્ષક શિક્ષણની દિશામાં યુનિવર્સિટીની મહત્વાકાંક્ષી પહેલ

ગાંધીનગર
ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થાન (IITE), ગાંધીનગર ખાતે મંગળવારે સંસ્થાના 16મા સ્થાપના દિવસની ઉજવણી સાથે નૂતન ભવનના નિર્માણનું ભૂમિપૂજન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૈદિક વિધિ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સંપન્ન થયું હતું. શિક્ષક શિક્ષણ ક્ષેત્રે રાજ્ય અને દેશ માટે મહત્વપૂર્ણ ગણાતા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રના અનેક અગ્રણીઓ, જનપ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આધુનિક શિક્ષક શિક્ષણ માટે નવું અધ્યાય
કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીના કુલપતિ મુકેશ પટેલે સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ના અસરકારક અમલીકરણ માટે યુનિવર્સિટીમાં માળખાકીય પરિવર્તનો અને નવી શૈક્ષણિક સ્કૂલ્સ શરૂ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે આગામી સમયમાં ગ્રામિણ વિસ્તારો માટે વિશેષ તાલીમ પ્રાપ્ત ‘ગ્રામ શિક્ષક’ તૈયાર કરવાની દિશામાં પણ યુનિવર્સિટી કાર્ય કરી રહી છે. ઉપરાંત, IITE ટૂંક સમયમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) આધારિત શિક્ષક શિક્ષણનો અભ્યાસક્રમ શરૂ કરનારી દેશની અગ્રણી યુનિવર્સિટી બનશે.
મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યક્રમને મળ્યો ભવ્ય આયામ
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા, શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા, રાજ્યસભાના સાંસદ રાજેશ શુક્લ, ગાંધીનગરના મેયર મીરા પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાર ગુરુજનોની ઉપસ્થિતિ રહી હતી, જેમનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
શિક્ષણમાં સંશોધન અને મૂલ્યનિષ્ઠા પર ભાર
શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું મર્યાદિત ન રહે, પરંતુ સંશોધન, નવાચાર અને વૈચારિક પરિવર્તનનું સશક્ત માધ્યમ બનવું જોઈએ. તેમણે કહ્યું કે સાચું શિક્ષણ વ્યક્તિના આચાર, વિચાર અને વ્યવહારમાં સકારાત્મક પરિવર્તન લાવે છે.
કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે દેશના ભવિષ્યનું ઘડતર શાળાના વર્ગખંડમાં થાય છે અને શ્રેષ્ઠ શિક્ષક જ સશક્ત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. તેમણે ઉમેર્યું કે નૂતન ભવન અને આધુનિક હોસ્ટેલ સુવિધાઓના નિર્માણથી ઉચ્ચ નૈતિક મૂલ્યો ધરાવતા આદર્શ શિક્ષકો તૈયાર કરવામાં નવી દિશા મળશે.
નવા અભ્યાસક્રમો અને પુસ્તકોનું વિમોચન
સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન સંકલિત શિક્ષક શિક્ષણ કાર્યક્રમ (ITEP) અંતર્ગત ચાર વર્ષીય બી.એ.-બી.એડ. અને બી.એસસી.-બી.એડ. (મિડલ એન્ડ સેકન્ડરી)ના નવા અભ્યાસક્રમ ફ્રેમવર્કનું સત્તાવાર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા શિક્ષણના વિવિધ વિષયો પર તૈયાર કરાયેલા ત્રણ નવા પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
શિક્ષક શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધતું IITE
સમારોહમાં NCTE વેસ્ટર્ન ઝોનના ચેરપર્સન, વિવિધ યુનિવર્સિટીઓના વર્તમાન અને પૂર્વ કુલપતિઓ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તથા એકેડેમિક કાઉન્સિલના સભ્યો, વિવિધ કોલેજોના અધ્યાપકો, પૂર્વ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર યુનિવર્સિટી પરિવારના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા આ કાર્યક્રમે IITEને શિક્ષક શિક્ષણના ક્ષેત્રમાં વધુ સશક્ત અને આધુનિક સંસ્થા તરીકે આગળ વધારવાનો સંકલ્પ વધુ મજબૂત બનાવ્યો હતો.
