તમિલનાડુના 69 વર્ષીય બિંગસન જ્હોનની અજોડ કહાની; “મને તો માત્ર ફાઇવ સ્ટાર હોટલ અથવા જેલનું જ ભોજન ગમે છે” એવી કબૂલાત

ચેન્નાઈ
દેશભરની 300થી વધુ ફાઇવ અને સેવન સ્ટાર હોટલોમાં નકલી ઓળખના આધારે રહી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર તમિલનાડુના 69 વર્ષીય બિંગસન જ્હોનની આખરે ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 36 વર્ષથી ક્યારે લક્ઝરી હોટલ તો ક્યારે જેલને પોતાનું ઠેકાણું બનાવનાર બિંગસનને છત્તીસગઢના રાયપુર સ્થિત એક ફાઇવ સ્ટાર હોટલમાં છેતરપિંડી કર્યા બાદ ભુવનેશ્વરથી ઝડપી લેવામાં આવ્યો છે.
રાયપુરની હોટલમાં બિલ ચૂકવ્યા વગર ફરાર
પોલીસના જણાવ્યા મુજબ બિંગસન જ્હોન 27 જૂને રાયપુરની એક લક્ઝરી હોટલમાં રોકાયો હતો. બે દિવસના રોકાણ બાદ તેના નામે રૂ. 63,755નું બિલ બન્યું હતું, પરંતુ તેણે ચૂકવણી કર્યા વગર જ હોટલ છોડી દીધી હતી. એટલું જ નહીં, ઓફિસનું કામ હોવાનું કહી હોટલ પાસેથી ભાડે લીધેલું અંદાજે રૂ. 1.48 લાખનું લેપટોપ પણ સાથે લઈ ફરાર થઈ ગયો હતો.
નકલી ઓળખથી જીતતો હતો વિશ્વાસ
તપાસમાં સામે આવ્યું છે કે બિંગસન હોટલોમાં ક્યારે વિદેશી ટૂર ગાઇડ, ક્યારે અંગ્રેજીના શિક્ષક તો ક્યારે યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે પોતાની ઓળખ આપતો હતો. શિષ્ટ અને સંસ્કારી વર્તનના કારણે હોટલ સ્ટાફનો વિશ્વાસ જીતી લેતો અને અનેક દિવસો સુધી તમામ સુવિધાઓનો લાભ લીધા બાદ બિલ ચૂકવ્યા વગર ગાયબ થઈ જતો હતો.
ચાર્લ્સ શોભરાજને માનતો હતો આદર્શ
પોલીસની પૂછપરછ દરમિયાન બિંગસને કબૂલ્યું કે તે કુખ્યાત ઠગ અને સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજથી પ્રેરિત હતો. વર્ષ 1990 પછી તેણે દેશના વિવિધ રાજ્યોમાં અંદાજે 300થી વધુ હોટલોને પોતાનો શિકાર બનાવી હોવાનું પણ સ્વીકાર્યું છે. હાલ પોલીસ તેના આ દાવાની ચકાસણી કરી રહી છે.
મંગેતરના અવસાન બાદ બદલાઈ ગઈ જિંદગી
પોલીસના જણાવ્યા પ્રમાણે બિંગસનનું ગુનાહિત જીવન એક વ્યક્તિગત દુઃખદ ઘટનાથી શરૂ થયું હતું. 1990ના દાયકાની શરૂઆતમાં તેની મંગેતરનું અવસાન થતાં તેણે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો અને ત્યારથી છેતરપિંડીનો માર્ગ અપનાવ્યો. વર્ષ 1996માં તેની પ્રથમ વખત ધરપકડ થઈ હતી અને ત્યારબાદ દેશની વિવિધ જેલોમાં મળીને તે લગભગ 15 વર્ષ જેલવાસ ભોગવી ચૂક્યો છે.
“જેલ મારું હોમસ્ટે, હોટલ મારું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન”
પૂછપરછ દરમિયાન બિંગસન જ્હોને નિર્ભયતાથી પોતાના ગુનાઓ કબૂલી લીધા હતા. તેણે પોલીસને જણાવ્યું કે જેલ તેના માટે “હોમસ્ટે” જેવી છે, જ્યારે ફાઇવ સ્ટાર હોટલો તેના માટે “ટૂરિસ્ટ ડેસ્ટિનેશન” સમાન છે. તેણે હસતાં-હસતાં એવું પણ કહ્યું કે તેને માત્ર ફાઇવ સ્ટાર હોટલોનું ભોજન અથવા જેલનું ભોજન જ પસંદ છે.
અનેક રાજ્યોમાં કેસોની તપાસ શરૂ
રાયપુર હોટલની ફરિયાદ બાદ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે ભુવનેશ્વરમાંથી તેની ધરપકડ કરી અને ચોરાયેલું લેપટોપ પણ કબજે કર્યું છે. હવે વિવિધ રાજ્યોમાં તેની સામે નોંધાયેલા ગુનાઓની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાઈ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયો છે.
