બુરહાનની વરસી પર આતંકી આકાઓનો જમાવડો: ભારત વિરૂદ્ધ ષડયંત્ર માટે કરાચીમાં બેઠક, શું યોજના બનાવી?

Spread the love

હિઝબુલ આતંકી બુરહાન વાનીની ૧૦મી વરસી પર કાશ્મીર ખીણમાં અશાંતિ ફેલાવવાનું પાકિસ્તાની આતંકી સંગઠનો અને ISIનું નાપાક કાવતરું; ભારતીય એજન્સીઓ એલર્ટ

ચંડીગઢ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા ઠાર કરાયેલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીની ૧૦મી વરસી પર પાકિસ્તાનમાં ભારત વિરોધી એક મોટું અને ગુપ્ત ષડયંત્ર રચાયું હોવાનો ખુલાસો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ૫ જુલાઈના રોજ પાકિસ્તાનના કરાચીમાં લશ્કર-એ-તૈયબાના રાજકીય સંગઠન ‘પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ’ (PMML) ના મુખ્ય મથક પર આતંકી સંગઠનોના આકાઓની એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લશ્કર, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા પ્રતિબંધિત સંગઠનોના ૧૪ મોટા આતંકવાદીઓ અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના અધિકારીઓએ હાજરી આપી હતી.

આ બેઠકનો મુખ્ય હેતુ ૮ જુલાઈએ બુરહાન વાનીની વરસીના અવસરે કાશ્મીર ખીણમાં ફરી એકવાર માહોલ બગાડવાનો અને મોટી આતંકી વારદાતોને અંજામ આપવાનો છે. આ માટે ખીણના સ્થાનિક યુવાનોને ભડકાવીને તેમના સુધી હથિયારો પહોંચાડવાનો ટાસ્ક આતંકીઓને સોંપવામાં આવ્યો છે.

હાફિઝ સઈદનો દોઢ પાનાનો સંદેશો વંચાયો; સ્લીપર સેલ સક્રિય કરાશે

ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સના સંયોજક ગુલામ મોહમ્મદ સૈફીની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં લશ્કરના આતંકી મોહમ્મદ તલહા સઈદ, સૈફુલ્લા કસૂરી અને હાફિઝ અબ્દુલ રહીમ સહિતના આકાઓ ૮ જુલાઈની સાજીશનો આખો રોડમેપ લઈને બેઠા હતા. બેઠક દરમિયાન લશ્કરના સ્થાપક આતંકી હાફિઝ સઈદનો આશરે દોઢ પાનાનો ગુપ્ત સંદેશો વાંચી સંભળાવવામાં આવ્યો હતો. આ સંદેશામાં કાશ્મીરના યુવાનોને બુરહાન વાનીના નામે ઉશ્કેરવા અને ખીણની અંદર સક્રિય આતંકીઓના ‘સ્લીપર સેલ’ ને ફરીથી એક્ટિવ કરવાની આખી યોજના ઘડવામાં આવી છે.

મુઝફ્ફરાબાદથી ઓપરેશનનું સંચાલન, ISI કરશે મદદ

આ નાપાક યોજનાને સફળ બનાવવા માટે પાકિસ્તાની સેના અને ISI દ્વારા પૂરેપૂરી આર્થિક અને સૈન્ય મદદ આપવાની ખાતરી આપવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશનને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના મુઝફ્ફરાબાદથી ઓપરેટ કરવામાં આવશે, અને તેના ઇનચાર્જ તરીકે ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સના સંયોજક ગુલામ મોહમ્મદ સૈફીને જવાબદારી સોંપવામાં આવી છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ ઘટના દર્શાવે છે કે પાકિસ્તાન હજુ પણ સરહદ પારથી આતંકવાદને પ્રોત્સાહન આપવામાંથી ઊંચું નથી આવી રહ્યું.

કેન્દ્ર સરકાર અને સુરક્ષાદળો એલર્ટ પર

આતંકી આકાઓની આ ગુપ્ત બેઠક અને કાશ્મીરમાં માહોલ બગાડવાના ષડયંત્ર અંગેનો ગુપ્તચર ઇનપુટ (Intelligence Input) કેન્દ્ર સરકાર અને કાશ્મીરમાં તૈનાત સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરવામાં આવ્યો છે. આ ઇનપુટ મળ્યા બાદ સમગ્ર કાશ્મીર ખીણમાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી કરી દેવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓના અધિકારીઓનું કહેવું છે કે સુરક્ષાદળો અને ગુપ્તચર એજન્સીઓ સતત મુસ્તૈદ છે અને પાકિસ્તાનની કોઈપણ નાપાક હરકત કે ઘૂસણખોરીના પ્રયાસને સફળ થવા દેવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *