વ્યસ્ત શિડ્યુલના કારણે સ્પ્લિટ-કોચિંગ ફોર્મ્યુલા; ગૌતમ ગંભીર સિનિયર ટીમ સાથે રહેશે, જ્યારે વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ અને એશિયન ગેમ્સમાં સંભાળશે મુખ્ય કોચની જવાબદારી

નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમનો આગામી સમયનો વ્યસ્ત ઇન્ટરનેશનલ કેલેન્ડર ફરી એકવાર કોચિંગ સ્ટાફના વિભાજનનું કારણ બનવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સતત મેચો અને ઓવરલેપ થતા શિડ્યુલને પહોંચી વળવા માટે ‘સ્પ્લિટ-કોચિંગ’ (અલગ-અલગ સિરીઝ માટે અલગ કોચ) નો રસ્તો પસંદ કર્યો છે. આ અંતર્ગત, BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સના પ્રમુખ અને પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ આગામી ઝિમ્બાબ્વે પ્રવાસ અને એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમના મુખ્ય કોચની ભૂમિકા ભજવતા જોવા મળશે.
વાસ્તવમાં, એશિયન ગેમ્સનું શિડ્યુલ ભારતના ઘરઆંગણે વેસ્ટઇન્ડીઝ સામે રમાનારી આગામી સિરીઝના શરૂઆતના તબક્કા સાથે ટકરાઈ રહ્યું છે. બંને ટુર્નામેન્ટ એક જ સમયે યોજાવાની હોવાથી, નિયમિત મુખ્ય કોચ ગૌતમ ગંભીર સિનિયર નેશનલ ટીમ સાથે ભારતમાં જ રહેશે. જ્યારે વીવીએસ લક્ષ્મણ બે અલગ-અલગ સ્ક્વોડ (ટીમો) ને લઈને અનુક્રમે ઝિમ્બાબ્વે અને જાપાન માટે ઉડાન ભરશે, કારણ કે આ વર્ષે એશિયન ગેમ્સનું આયોજન જાપાનમાં થવાનું છે.
સુનિલ જોશી અને ઋષિકેશ કાનિટકર સપોર્ટ સ્ટાફનો હિસ્સો બનશે
ઝિમ્બાબ્વે પ્રવાસ અને એશિયન ગેમ્સના આ સમગ્ર અભિયાન દરમિયાન મુખ્ય કોચ વીવીએસ લક્ષ્મણને એક જાણીતો અને અનુભવી સપોર્ટ સ્ટાફ મળવા જઈ રહ્યો છે. ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન ઋષિકેશ કાનિટકર આ પ્રવાસો પર ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ તરીકેની જવાબદારી સંભાળશે. બીજી તરફ, ભારતીય ટીમના પૂર્વ સ્પિનર સુનિલ જોશીને બોલિંગ કોચ તરીકે સપોર્ટ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર કોચિંગ ગ્રુપ બંને અલગ-અલગ પ્રવાસો પર ટીમ ઈન્ડિયાના પ્રદર્શનમાં સાતત્ય જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરશે.
BCCI માટે આ વ્યવસ્થા નવી નથી
વ્યસ્ત શિડ્યુલના કારણે બે અલગ-અલગ કોચિંગ સ્ટાફ રાખવાનો નિર્ણય BCCI માટે બિલકુલ નવો નથી. જ્યારે પણ ભારતીય ટીમનું ઇન્ટરનેશનલ શિડ્યુલ અતિશય વ્યસ્ત હોય છે અને બે મહત્ત્વપૂર્ણ સિરીઝ એક જ સમયે સામસામે આવી જાય છે, ત્યારે બોર્ડ હંમેશા સેન્ટર ઓફ એક્સેલન્સ (અગાઉની નેશનલ ક્રિકેટ એકેડેમી – NCA) ના અનુભવી કોચો પર ભરોસો મૂકે છે.
વીવીએસ લક્ષ્મણ આ પહેલા પણ ઘણી વિદેશી ટૂર પર ભારતીય ટીમના મુખ્ય કોચની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે, જ્યારે સિનિયર કોચિંગ સ્ટાફ મુખ્ય ટીમ સાથે અન્ય કોઈ મહત્ત્વની સિરીઝમાં વ્યસ્ત હોય. લક્ષ્મણ અગાઉ પણ NCA ના વડાઓએ શેડ્યુલિંગ ક્લેશ (સમયના ટકરાવ) દરમિયાન આ પ્રકારની જવાબદારીઓ સંભાળી છે. બોર્ડનો આ તાજેતરનો નિર્ણય આધુનિક ક્રિકેટમાં ભારતીય ટીમના વધતા દ્વિપક્ષીય પ્રવાસો અને મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની ભારે માંગને સ્પષ્ટપણે દર્શાવે છે.
