અર્જેન્ટિના-ઇજિપ્ત મેચમાં ‘X’ સંકેતથી વિવાદ, જાણો FIFAના એન્ટી-રેસિઝમ નિયમનો સાચો અર્થ

Spread the love

ઇજિપ્તના કોચે રેફરી સામે બનાવ્યો ‘X’ સંકેત, યલો કાર્ડ મળતાં ચર્ચા તેજ; VARના નિર્ણય બાદ ભડક્યો વિવાદ

ન્યૂયોર્ક

ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ-16માં અર્જેન્ટિના અને ઇજિપ્ત વચ્ચે રમાયેલી રોમાંચક મેચ માત્ર પરિણામ માટે નહીં, પરંતુ મેદાન પર સર્જાયેલા એક મોટા વિવાદ માટે પણ ચર્ચામાં આવી છે. અર્જેન્ટિનાએ ઇજિપ્તને 3-2થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, પરંતુ મેચના અંતિમ તબક્કામાં ઇજિપ્તના મુખ્ય કોચ હોસામ હસને રેફરી સામે બનાવેલા ‘X’ સંકેત અને તેના બદલામાં મળેલા યલો કાર્ડે સમગ્ર ફૂટબોલ જગતનું ધ્યાન ખેંચ્યું છે.

VARના નિર્ણય બાદ વધ્યો વિવાદ

મેચમાં ઇજિપ્તે શરૂઆતમાં જ શાનદાર રમત દર્શાવી 2-0ની સરસાઈ મેળવી હતી. ત્યારબાદ મોસ્ટફા ઝિકોએ વધુ એક ગોલ નોંધાવ્યો હતો, પરંતુ વીડિયો આસિસ્ટન્ટ રેફરી (VAR)એ અગાઉ થયેલા કથિત ફાઉલના આધારે આ ગોલ રદ કર્યો હતો.

આ નિર્ણય બાદ મેચનો પલટો આવ્યો. અર્જેન્ટિનાએ છેલ્લી 14 મિનિટમાં ક્રિસ્ટિયન રોમેરો, લિયોનેલ મેસી અને એન્ઝો ફર્નાન્ડેઝના ગોલથી 3-2ની જીત નોંધાવી. મેચના અંતિમ ક્ષણોમાં મોહમ્મદ સલાહ પર થયેલા કથિત ફાઉલ બદલ પેનલ્ટી ન મળતાં ઇજિપ્તના કોચ હોસામ હસન ભારે નારાજ થયા.

કેમ બનાવ્યો ‘X’ સંકેત?

રેફરીના નિર્ણયનો વિરોધ કરતાં હોસામ હસને મેદાન પર પોતાની બંને ભુજાઓ ક્રોસ કરીને ‘X’નો સંકેત બનાવ્યો. FIFAમાં આ સંકેત સત્તાવાર રીતે જાતિવાદ (રેસિઝમ) સામે ફરિયાદ નોંધાવવા માટે માન્ય છે. જોકે રેફરીએ આ સંકેતને મેચ અધિકારીઓ સામે આક્રમક વિરોધ અને નિયમોના દુરુપયોગ તરીકે ગણાવી તેમને તરત જ યલો કાર્ડ બતાવ્યો.

શું છે FIFAનો ‘X’ સંકેત?

FIFAએ વર્ષ 2024થી જાતિવાદ અને અભદ્ર વર્તન સામે ‘થ્રી-સ્ટેપ પ્રોટોકોલ’ અમલમાં મૂક્યો છે.

તે મુજબ:

  • ખેલાડી અથવા ટીમ સ્ટાફ જાતિવાદનો ભોગ બને તો બંને હાથ ક્રોસ કરીને ‘X’ સંકેત આપી શકે છે.
  • સંકેત મળતાં જ રેફરી મેચ અટકાવી સ્ટેડિયમમાં ચેતવણી જાહેર કરે છે.
  • જો વર્તન ચાલુ રહે તો મેચ સ્થગિત કરી બંને ટીમોને ડ્રેસિંગ રૂમમાં મોકલવામાં આવે છે.
  • પરિસ્થિતિમાં સુધારો ન થાય તો મેચ સંપૂર્ણપણે રદ પણ કરી શકાય છે.

બ્રાઝિલ-કેમરૂન મેચમાં થયો હતો પ્રથમ ઉપયોગ

આ નિયમનો પ્રથમ સત્તાવાર ઉપયોગ 2024ની મહિલા અન્ડર-20 વર્લ્ડ કપમાં બ્રાઝિલ અને કેમરૂન વચ્ચેની મેચ દરમિયાન થયો હતો. બ્રાઝિલની ખેલાડીઓએ જાતિવાદી ટિપ્પણીઓની ફરિયાદ કરવા ‘X’ સંકેત આપતાં રેફરીએ તરત જ મેચ રોકી હતી અને સ્ટેડિયમમાં સત્તાવાર ચેતવણી જાહેર કરવામાં આવી હતી.

હોસામ હસનને યલો કાર્ડ કેમ મળ્યો?

મેચ બાદના અહેવાલો અનુસાર હોસામ હસને ‘X’ સંકેત જાતિવાદની ફરિયાદ કરવા માટે નહીં, પરંતુ રેફરીના નિર્ણયમાં પક્ષપાત અને અન્યાયનો આરોપ લગાવવા માટે કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેઓ માનતા હતા કે મોટી ટીમ અને સ્ટાર ખેલાડીઓને લાભ આપવા માટે નિર્ણયો લેવામાં આવી રહ્યા હતા.

ફૂટબોલના નિયમો અનુસાર ટેક્નિકલ એરિયાની બહાર આવીને રેફરી સામે આક્રમક રીતે વિરોધ નોંધાવવો અથવા તેમની જાહેરમાં ટીકા કરવી ‘ડિસેન્ટ’ ગણાય છે, જેના બદલામાં યલો કાર્ડ આપવાનો નિયમ છે.

ચર્ચા હજુ યથાવત

જોકે કેટલાક ચાહકોનું માનવું છે કે રેફરીએ ‘X’ સંકેત જોયા બાદ પહેલા ઘટનાની તપાસ કરવી જોઈએ હતી, કારણ કે FIFAના નિયમો અનુસાર આ સંકેત ગંભીર ફરિયાદ તરીકે લેવામાં આવે છે. બીજી તરફ ઘણા નિષ્ણાતો માને છે કે જો સંકેતનો ઉપયોગ જાતિવાદ સિવાય અન્ય હેતુ માટે કરવામાં આવ્યો હોય તો તે નિયમોના દુરુપયોગ સમાન ગણાય છે.

આ ઘટનાએ માત્ર મેચના પરિણામ કરતાં વધુ ચર્ચા FIFAના એન્ટી-રેસિઝમ નિયમોના અમલીકરણ અને મેદાન પર તેના યોગ્ય ઉપયોગ અંગે શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *