EPFO ખાતાધારકો માટે ખુશખબર: PF ખાતામાં મળશે 8.25% વ્યાજ, 15 જુલાઈ સુધી જમા થશે રકમ

Spread the love

નવી IT સિસ્ટમથી PF ટ્રાન્સફર થશે ઓટોમેટિક, દેશના કોઈપણ બેંક ખાતામાં મળશે પેન્શન

નવી દિલ્હી:

નોકરીયાત કર્મચારીઓ અને પેન્શનધારકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર 8.25 ટકા વાર્ષિક વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા મુજબ, 15 જુલાઈ 2026 સુધી EPFO સભ્યોના ખાતામાં વ્યાજની રકમ જમા થઈ જશે. આ વખતે અંદાજે રૂ. 1.44 લાખ કરોડનું વ્યાજ કરોડો સભ્યોના ખાતામાં સીધું જમા કરવામાં આવશે.

15 જુલાઈ સુધી ખાતામાં વ્યાજની રકમ જમા થશે

શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંજૂર થયેલા 8.25 ટકા વ્યાજને નવી ઓટો-પ્રોસેસિંગ ટેક્નોલોજી દ્વારા સીધા સભ્યોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે. સંબંધિત ચકાસણી પૂર્ણ થતાં જ રકમ જમા થશે અને સભ્યો 15 જુલાઈ સુધી EPFOની ઓનલાઈન પાસબુકમાં વ્યાજની એન્ટ્રી જોઈ શકશે.

અગાઉ વ્યાજ જમા કરવાની પ્રક્રિયા ઘણી વખત ઓક્ટોબર-નવેમ્બર સુધી લંબાતી હતી, પરંતુ નવી સિસ્ટમના અમલથી હવે તે ઘણું વહેલું પૂર્ણ થઈ રહી છે.

CITES 2.01થી PF સેવાઓ વધુ સરળ

EPFOએ ‘CITES 2.01’ નામની નવી કેન્દ્રીકૃત IT સિસ્ટમ અમલમાં મૂકી છે. અગાઉ અલગ-અલગ પ્રાદેશિક કચેરીઓમાં અલગ ડેટાબેઝ હોવાને કારણે અનેક પ્રક્રિયાઓમાં સમય લાગતો હતો. હવે સમગ્ર ડેટા એક જ કેન્દ્રીય સિસ્ટમમાં ઉપલબ્ધ હોવાથી સભ્યો દેશના કોઈપણ સ્થળેથી પોતાની PF સંબંધિત સેવાઓનો લાભ લઈ શકશે.

પાસબુક, ક્લેમની સ્થિતિ અને પેન્શન સર્વિસ રેકોર્ડ જેવી તમામ માહિતી હવે એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરળતાથી મેળવી શકાશે.

પેન્શનધારકોને પણ મોટી રાહત

નવી સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ હેઠળ હવે પેન્શનની રકમ દેશના કોઈપણ બેંક ખાતામાં જમા થઈ શકશે. અગાઉ પેન્શન માત્ર તે જ બેંક શાખામાં મળી શકતી હતી, જ્યાં પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) જોડાયેલો હોય. નવા નિયમથી આ મર્યાદા દૂર થતાં વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત મળશે.

નોકરી બદલતા PF ટ્રાન્સફર આપોઆપ થશે

વારંવાર નોકરી બદલતા કર્મચારીઓ માટે પણ નવી વ્યવસ્થા લાભદાયી સાબિત થશે. હવે આધાર સાથે જોડાયેલા UANના આધારે નોકરી બદલ્યા બાદ PF ટ્રાન્સફર માટે અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં. જૂના નોકરીદાતા પાસેથી PFની રકમ નવા નોકરીદાતાના ખાતામાં ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે.

આથી ક્લેમ અટવાવાની સમસ્યા ઘટશે અને કર્મચારીઓની બચત વધુ સુરક્ષિત રહેશે.

PF ઉપાડવાના નિયમો પણ સરળ બન્યા

EPFOએ PF ઉપાડવાના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉની 13 જટિલ શ્રેણીઓને ઘટાડીને હવે માત્ર ત્રણ મુખ્ય શ્રેણીઓ રાખવામાં આવી છે:

  • જરૂરી વ્યક્તિગત જરૂરિયાતો (ગંભીર બીમારી, શિક્ષણ, લગ્ન)
  • આવાસ સંબંધિત જરૂરિયાત
  • વિશેષ પરિસ્થિતિઓ

હવે સભ્યો પોતાના કુલ PF બેલેન્સમાંથી 75 ટકા સુધીની રકમ સરળતાથી ઉપાડી શકશે.

વ્યાજની ગણતરીમાં પણ ફેરફાર

અંતિમ સેટલમેન્ટ દરમિયાન હવે વ્યાજની ગણતરી ચુકવણી મંજૂર થયેલી તારીખ સુધી કરવામાં આવશે. અગાઉ વ્યાજ માત્ર ગયા મહિનાના અંતિમ દિવસ સુધી જ ગણાતું હતું. નવા નિયમથી સભ્યોને વધુ વ્યાજનો લાભ મળશે અને સેટલમેન્ટ વધુ પારદર્શક બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *