ઓસ્ટ્રેલિયામાં ‘એક્સ પિચ બ્લેક 2026’માં ભારતીય વાયુસેના શખ્તનો પરચો આપશે, રાફેલ સહિતના અત્યાધુનિક વિમાનો ભાગ લેશે

Spread the love

20 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી ડાર્વિનમાં યોજાનારી બહુરાષ્ટ્રીય હવાઈ યુદ્ધ કવાયતમાં IAFની ભાગીદારી; ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સંરક્ષણ સહયોગ વધુ મજબૂત બનશે

નવી દિલ્હી

ભારતીય વાયુસેના (IAF) 20 જુલાઈથી ઓસ્ટ્રેલિયાના ડાર્વિન સ્થિત રોયલ ઓસ્ટ્રેલિયન એર ફોર્સ (RAAF) બેઝ પર શરૂ થનારી પ્રતિષ્ઠિત બહુરાષ્ટ્રીય હવાઈ યુદ્ધ કવાયત **’એક્સરસાઇઝ પિચ બ્લેક 2026’**માં ભાગ લેવા જઈ રહી છે. 7 ઓગસ્ટ સુધી ચાલનારી આ કવાયત વિશ્વની સૌથી મહત્વપૂર્ણ એર કોમ્બેટ એક્સરસાઇઝમાંની એક માનવામાં આવે છે, જેમાં અનેક દેશોની વાયુસેનાઓ સંયુક્ત રીતે આધુનિક યુદ્ધ કૌશલ્ય અને સંકલનનું પ્રદર્શન કરશે.

45 વર્ષ જૂની પ્રતિષ્ઠિત હવાઈ કવાયત

રોયલ ઓસ્ટ્રેલિયન એર ફોર્સ દ્વારા દર બે વર્ષે આયોજિત થતી ‘એક્સરસાઇઝ પિચ બ્લેક’નો ઇતિહાસ 45 વર્ષથી વધુ જૂનો છે. ઉત્તર ઓસ્ટ્રેલિયાના વિશાળ અને ઓછી વસતી ધરાવતા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ઉડાન અને યુદ્ધ અભ્યાસ પર ભાર મૂકાતો હોવાથી આ કવાયતને ‘પિચ બ્લેક’ નામ આપવામાં આવ્યું છે. આ વર્ષની આવૃત્તિમાં અત્યાર સુધીના સૌથી વધુ દેશો અને સૈન્ય દળો ભાગ લઈ રહ્યા છે, જેના કારણે તેનું વ્યૂહાત્મક મહત્વ વધુ વધી ગયું છે.

રાફેલ, C-17 અને IL-78 રહેશે આકર્ષણનું કેન્દ્ર

ભારતીય વાયુસેનાના દળમાં અનુભવી પાઇલટો, એન્જિનિયરો, ટેકનિશિયન, એર ટ્રાફિક કન્ટ્રોલર્સ તેમજ અન્ય નિષ્ણાતોનો સમાવેશ થાય છે. ભારતીય દળ આ કવાયતમાં રાફેલ મલ્ટીરોલ ફાઇટર એરક્રાફ્ટ સાથે ભાગ લેશે. તેની સાથે C-17 ગ્લોબમાસ્ટર-III પરિવહન વિમાન અને IL-78 એર-ટુ-એર રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ લોજિસ્ટિક્સ અને હવાઈ ઇંધણ પુરવઠાની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળશે.

સંયુક્ત ઓપરેશન અને તાલમેલ પર રહેશે ભાર

આ કવાયત દરમિયાન વિવિધ દેશોની વાયુસેનાઓ સંયુક્ત હવાઈ અભિયાન (Large Force Employment) અને બહુરાષ્ટ્રીય એર કોમ્બેટ ઓપરેશન્સનો અભ્યાસ કરશે. તેનો મુખ્ય હેતુ વિવિધ દેશોની સેનાઓ વચ્ચે તાલમેલ વધારવો, સંયુક્ત કામગીરીની ક્ષમતા મજબૂત બનાવવી અને આધુનિક યુદ્ધની શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓની આપ-લે કરવાનો છે.

લાંબા અંતરની કામગીરીની ક્ષમતાનું થશે પરીક્ષણ

‘એક્સ પિચ બ્લેક 2026’ ભારતીય વાયુસેના માટે લાંબા અંતરે અભિયાન ચલાવવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવાની મહત્વપૂર્ણ તક છે. ઉપરાંત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભાગીદાર દેશો સાથે વ્યાવસાયિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને પરસ્પર વિશ્વાસ વધારવામાં પણ આ કવાયત મહત્વની સાબિત થશે.

પહેલાં પણ અનેક વખત ભાગ લઈ ચૂકી છે ભારતીય વાયુસેના

ભારતીય વાયુસેનાએ અગાઉ 2018, 2022 અને 2024ની આવૃત્તિઓમાં પણ સફળતાપૂર્વક ભાગ લીધો હતો. સતત ભાગીદારી ભારતની પ્રાદેશિક સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સહયોગ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા જાળવવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ વર્ષે પણ ભારતીય વાયુસેના પોતાના આધુનિક સાધનો, કુશળ માનવબળ અને વ્યૂહાત્મક ક્ષમતાનું પ્રદર્શન કરીને વૈશ્વિક સ્તરે પોતાની સક્ષમતા દર્શાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *