3થી 14 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુમાં રમાનારી ગ્લોબલ ચેસ લીગની ચોથી સિઝન પહેલાં છ અઠવાડિયાનું વૈશ્વિક અભિયાન શરૂ, ખેલાડીઓ, સ્કૂલો અને ચેસ ક્લબોને જોડવાનો પ્રયાસ
બેંગલુરુ
વર્લ્ડ ચેસ ડેના અવસરે ટેક મહિન્દ્રા અને ફિડે (FIDE)ના સંયુક્ત ઉપક્રમે યોજાતી ગ્લોબલ ચેસ લીગ (GCL)એ તેની ચોથી સિઝન પૂર્વે ‘Road2GCL’ અભિયાનની જાહેરાત કરી છે. 3થી 14 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુમાં યોજાનારી ગ્લોબલ ચેસ લીગ પહેલાં આગામી છ અઠવાડિયા સુધી વિશ્વભરના ચેસ ખેલાડીઓ, ક્લબો, શૈક્ષણિક સંસ્થાઓ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને ચેસપ્રેમીઓને વિવિધ કાર્યક્રમો દ્વારા જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
ટૂર્નામેન્ટ પહેલાં ચેસપ્રેમીઓને મળશે અનોખો અનુભવ
ગ્લોબલ ચેસ લીગનું માનવું છે કે માત્ર ટૂર્નામેન્ટ જ નહીં, પરંતુ તેની સફર પણ એટલી જ રોમાંચક હોવી જોઈએ. આ વિચાર સાથે ‘Road2GCL’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ, કોમ્યુનિટી ઇવેન્ટ્સ, ચેસ ક્લબ એક્ટિવિટીઝ અને ક્રિએટર સહયોગ દ્વારા વિશ્વભરમાં ચેસને વધુ લોકપ્રિય બનાવવાનો પ્રયાસ થશે.
આ પહેલનો મુખ્ય હેતુ તમામ વયના અને વિવિધ કૌશલ્ય ધરાવતા ખેલાડીઓને ગ્લોબલ ચેસ લીગ સાથે જોડવાનો છે, જેથી તેઓ માત્ર દર્શક નહીં પરંતુ આ સફરના સક્રિય ભાગીદાર બની શકે.
‘Road2GCL Contenders’થી ઉભરતા ખેલાડીઓને મોટી તક
આ અભિયાનનું સૌથી આકર્ષક કેન્દ્ર ‘Road2GCL Contenders’ રહેશે. આ સ્પર્ધા દ્વારા ઉભરતા ચેસ ખેલાડીઓને ગ્લોબલ ચેસ લીગના સ્ટાર ગ્રાન્ડમાસ્ટર્સ સામે રમવાની તક મળશે. બહુસ્તરીય ક્વોલિફિકેશન પ્રક્રિયા બાદ પસંદ થયેલા ખેલાડીઓ ખાસ મુકાબલામાં વિશ્વના દિગ્ગજ ખેલાડીઓ સામે પોતાની પ્રતિભા બતાવી શકશે.
ગત વર્ષે યોજાયેલી પ્રથમ આવૃત્તિમાં ઓપન કેટેગરીમાં જોસે માર્ટિનેઝ, મહિલા વર્ગમાં WGM માઈ નાર્વા અને અંડર-21માં IM ફોસ્ટિનો ઓરોએ ખિતાબ જીત્યો હતો. આ વર્ષે પણ વિશ્વભરના યુવા ખેલાડીઓ માટે આ સ્પર્ધા મહત્વનું મંચ બનવાની અપેક્ષા છે.
ચેસને વધુ લોકપ્રિય બનાવવાનો પ્રયાસ
ગ્લોબલ ચેસ લીગના કમિશનર ગૌરવ રક્ષિતે જણાવ્યું કે ગ્લોબલ ચેસ લીગનો હેતુ માત્ર ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નથી, પરંતુ સમગ્ર સીઝન દરમિયાન ચેસને નવા આયામ આપવાનો છે. ‘Road2GCL’ દ્વારા તમામ ઉંમરના લોકો અને વિવિધ સ્તરના ખેલાડીઓને ચેસ સાથે જોડાવાની તક મળશે.
તેમણે કહ્યું કે ચેસ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે અને આવા કાર્યક્રમો રમતને વધુ સુલભ, સહભાગીપૂર્ણ અને સાંસ્કૃતિક રીતે પ્રાસંગિક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
બેંગલુરુમાં ઉતરશે વિશ્વના દિગ્ગજ ગ્રાન્ડમાસ્ટર્સ
ગ્લોબલ ચેસ લીગની ચોથી સિઝન 3થી 14 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુમાં રમાશે. ટૂર્નામેન્ટમાં છ ફ્રેન્ચાઇઝીઓ માટે વિશ્વના 36 ટોચના ગ્રાન્ડમાસ્ટર્સ ભાગ લેશે.
આ સિઝનની સૌથી મોટી ખાસિયત એ છે કે વિશ્વના નંબર-1 ગ્રાન્ડમાસ્ટર મેગ્નસ કાર્લસન ફરી ગ્લોબલ ચેસ લીગમાં પરત ફરશે અને પ્રથમ વખત ભારતમાં આ લીગમાં રમતા જોવા મળશે. ઉપરાંત, તાજેતરમાં FIDE મહિલા વર્લ્ડ કપ જીતનારી દિવ્યા દેશમુખ પણ પ્રથમ વખત ગ્લોબલ ચેસ લીગમાં રમશે, જેના કારણે આ સિઝન વધુ રોમાંચક બનવાની અપેક્ષા છે.
ક્લબો, સ્કૂલો અને ક્રિએટર્સને પણ મળશે મંચ
‘Road2GCL’ હેઠળ ‘Shining Stars’ કાર્યક્રમ દ્વારા ચેસ ક્લબો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. ઉપરાંત ‘Road2GCL Creators’ કાર્યક્રમ હેઠળ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સને પણ આ અભિયાન સાથે જોડવામાં આવશે, જેથી નવી પેઢીને ચેસ તરફ આકર્ષી શકાય.
નવતર ફોર્મેટથી ગ્લોબલ ચેસ લીગે બનાવી આગવી ઓળખ
ગ્લોબલ ચેસ લીગે શરૂઆતથી જ મિક્સ્ડ-ટીમ ફ્રેન્ચાઇઝી ફોર્મેટ, આઇકોન બોર્ડ અને એકસાથે રમાતી ટીમ બેટલ્સ જેવી અનેક નવીનતાઓ રજૂ કરી છે. હવે ‘Road2GCL’ દ્વારા ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ વિશ્વભરના ખેલાડીઓ અને ચાહકોને લીગ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
