નીટ પેપર લીક મુદ્દે CJPના આંદોલન વચ્ચે રાજકીય ઘમાસાણ તેજ, કોંગ્રેસના ટોચના નેતાઓની અટકાયત
નવી દિલ્હી
નીટ પેપર લીક મુદ્દે ચાલી રહેલા CJP (કોકરોચ જનતા પાર્ટી)ના વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મંગળવારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. વડાપ્રધાન આવાસ તરફ કૂચ કરીને વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દિલ્હી પોલીસે ડિટેન કર્યા હતા. તેમની સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી સહિત અનેક કોંગ્રેસ નેતાઓને પણ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ વિરોધ સ્થળે પહોંચ્યા હતા.
PM આવાસ બહાર કોંગ્રેસના ધરણાં
રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુગોપાલ, પવન ખેરા સહિતના કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે લોક કલ્યાણ માર્ગ પર વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે સુરક્ષાના કારણોસર તમામ નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.
રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર
ડિટેન થતાં પહેલાં રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓ પર હુમલો એટલે દેશના દરેક પરિવાર પર હુમલો.” તેમણે લોકોને પણ વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી હતી.
જંતર-મંતર પર પહોંચ્યા અરવિંદ કેજરીવાલ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જંતર-મંતર ખાતે ચાલી રહેલા CJPના પ્રદર્શનકારીઓ વચ્ચે પહોંચ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ દ્વારા લાઠીચાર્જ, ટીયર ગેસ અને બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. કેજરીવાલે દાવો કર્યો કે તેઓ સવારે વિવિધ પોલીસ સ્ટેશનોમાં જઈને અત્યાર સુધીમાં 70થી 80 જેટલા અટકાયતમાં લેવાયેલા લોકોને છોડાવવામાં સફળ રહ્યા છે.
કાનૂની મદદ માટે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
કેજરીવાલે પ્રદર્શનકારીઓને કાનૂની સહાય માટે 8588833548 નંબર જાહેર કરતાં જણાવ્યું કે જો કોઈની અટકાયત કરવામાં આવી હોય અથવા કાનૂની મદદની જરૂર હોય તો આ નંબર પર સંપર્ક કરી શકાય છે. તેમણે આંદોલનકારીઓને ડર્યા વગર લડત ચાલુ રાખવાની અપીલ કરી હતી.
JP નડ્ડાએ ઘાયલ પોલીસ અને પ્રદર્શનકારીઓની મુલાકાત લીધી
કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ અગાઉના દિવસની અથડામણમાં ઘાયલ થયેલા લોકોને મળવા લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ પણ લોક કલ્યાણ માર્ગ પહોંચીને કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અંગે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી હતી.
115થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ હોવાનો દાવો
એડિશનલ DCP આનંદ કુમાર મિશ્રાએ જણાવ્યું કે સોમવારે થયેલી અથડામણમાં અંદાજે 115થી 120 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું કે અનેક વરિષ્ઠ અધિકારીઓને પણ ઈજા પહોંચી છે અને સમગ્ર મામલે FIR નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. તપાસના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આંદોલન યથાવત
CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું કે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી આંદોલન સમાપ્ત નહીં થાય. તેમણે સરકાર સાથે થયેલી બેઠક નિષ્ફળ રહી હોવાનું પણ જણાવ્યું.
