વડોદરા SSG હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન મળી હતી ગંભીર ફરિયાદો : ડૉ. ચિરાગ બારોટની વડોદરાથી ભાવનગર બદલી
અમદાવાદ/વડોદરા
વડોદરાની સરકારી મેડિકલ કોલેજ અને SSG હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન સાઇકિયાટ્રી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલી ગંભીર ફરિયાદને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક ધોરણે ગંભીરતાથી લીધી છે. રેસિડેન્ટ ડૉક્ટરોની લેખિત રજૂઆત બાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ત્વરિત કાર્યવાહી કરતાં સાઇકિયાટ્રી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. ચિરાગ બારોટની વડોદરાની સરકારી મેડિકલ કોલેજમાંથી ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ ખાતે તાત્કાલિક અસરથી બદલી કરી છે.
સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન રેસિડેન્ટ ડૉક્ટરો સાથે સંવાદ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગત રોજ વડોદરાની SSG હોસ્પિટલ તથા સરકારી મેડિકલ કોલેજની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મેડિકલ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડૉક્ટરો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને રજૂઆતો જાણી હતી. આ સમયે સાઇકિયાટ્રી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરોએ ડૉ. ચિરાગ બારોટ વિરુદ્ધ લેખિતમાં ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરી હતી.
18 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરોની લેખિત ફરિયાદ
રેસિડેન્ટ ડૉક્ટરોની રજૂઆતમાં R1, R2, R3 અને સિનિયર રેસિડેન્ટ સહિત આશરે 18 તબીબોએ ડૉ. બારોટ દ્વારા શારીરિક અને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો કર્યા હતા. ફરિયાદમાં કામકાજના સ્થળે અસ્વસ્થ વાતાવરણ ઊભું થતું હોવાની તેમજ વિવિધ પ્રકારના દબાણનો સામનો કરવો પડતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
રેગિંગથી લઈને અભદ્ર મેસેજ સુધીના આક્ષેપો
લેખિત ફરિયાદમાં રેગિંગ, અભદ્ર મેસેજ મોકલવા, ફરજના સમય બાદ પણ અયોગ્ય માંગણીઓ કરવા, હોસ્ટેલના રૂમ નંબર પૂછવા તથા ચાલુ કામ દરમિયાન અશ્લીલ ટિપ્પણીઓ કરવા જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ઉપરાંત, રેસિડેન્ટ ડૉક્ટરોને થીસીસ અને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો પણ દાવો રજૂઆતમાં કરવામાં આવ્યો હતો.
ફરિયાદ મળતાં જ તાત્કાલિક નિર્ણય
રેસિડેન્ટ ડૉક્ટરોની રજૂઆતને આરોગ્ય મંત્રીએ અત્યંત ગંભીરતાથી લીધી હતી. ફરિયાદ મળ્યા બાદ ટૂંકા સમયગાળામાં જ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. તેના ભાગરૂપે ડૉ. ચિરાગ બારોટની સરકારી મેડિકલ કોલેજ, વડોદરાથી તાત્કાલિક અસરથી સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે બદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
‘વિદ્યાર્થીઓની સુરક્ષા અને સન્માન સાથે કોઈ સમજૂતી નહીં’
આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને તબીબોની સુરક્ષા, માન-સન્માન તથા માનસિક શાંતિ સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં. રેગિંગ, શારીરિક કે માનસિક શોષણ અને ગેરવર્તણૂક સામે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ છે.
મેડિકલ સંસ્થાઓમાં અશિસ્ત સામે કડક કાર્યવાહીનો સંદેશ
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડોદરા મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને ફરિયાદોને ગંભીરતાથી લઈને તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતની કોઈપણ મેડિકલ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓ કે રેસિડેન્ટ ડૉક્ટરો સાથે આવી અશિસ્ત, હેરાનગતિ કે ગેરવર્તણૂક ચલાવી લેવામાં આવશે નહીં. ભવિષ્યમાં પણ આવા કિસ્સાઓમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
