HOD, તબીબો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ સાથે સીધો સંવાદ; સેનિટેશન, સ્ટ્રેચર, પંખા સહિતની પાયાની સુવિધાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના
વડોદરા
રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, સુલભ અને માનવતાસભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વડોદરાની સરકારી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ વિવિધ વિભાગોની વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. તેમણે આરોગ્ય વિભાગના HOD, તબીબો અને કર્મચારીઓ ઉપરાંત વિદ્યાર્થીઓ તથા સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ જાણી હતી.
કચેરીની સમીક્ષા નહીં, સ્થળ પર જઈ વાસ્તવિક સ્થિતિ જાણવી જરૂરી
મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની કામગીરી માત્ર કચેરીમાં બેસીને સમીક્ષા કરવાથી પૂર્ણ થતી નથી. છેવાડાના ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેર સુધી રૂબરૂ જઈ દર્દીઓ અને તેમના પરિવારજનોને પડતી અગવડતાઓ તેમજ તબીબો અને કર્મચારીઓની મુશ્કેલીઓ સમજવી જરૂરી છે. વડોદરાની મુલાકાત દરમિયાન ધ્યાન પર આવેલી બાબતો અંગે સિવિલ સર્જન, સુપરિન્ટેન્ડન્ટ અને નિયામક સાથે બેઠક યોજી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
દર્દીઓની સુવિધા સરકારની પ્રથમ પ્રાથમિકતા
મંત્રીએ કહ્યું કે સરકારી આરોગ્ય વ્યવસ્થામાં પ્યુનથી લઈને નિષ્ણાત સર્જન સુધી અસંખ્ય કર્મચારીઓ દિવસ-રાત દર્દીઓની સેવા કરી રહ્યા છે. તેમ છતાં વ્યવસ્થામાં ક્યાંય ક્ષતિ જણાય તો તેને સમયસર દૂર કરવી જરૂરી છે. ગરીબ અને સામાન્ય નાગરિકને ગુણવત્તાયુક્ત સારવાર સાથે આત્મસંતોષ મળે તે સરકારની પ્રાથમિકતા છે.
મેડિકલ વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે ગંભીરતા
વડોદરા મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે પણ મંત્રીએ સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓ અને અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરીને તેમની સમસ્યાઓ સમજવામાં આવશે તેમ તેમણે જણાવ્યું. મેડિકલ શિક્ષણ ક્ષેત્રે કોઈ અપ્રિય ઘટના ન બને અને વિદ્યાર્થીઓને સુરક્ષિત, સન્માનજનક તથા સકારાત્મક વાતાવરણ મળે તે માટે માનવતાના અભિગમ સાથે જરૂરી પગલાં લેવામાં આવશે.
નવી ઇમારતો અને અદ્યતન સારવાર સુવિધાઓ પર ભાર
હોસ્પિટલની જૂની તેમજ નિર્માણાધીન નવી ઇમારતો અંગે પણ મંત્રીએ સ્થળ પર વિગતો મેળવી હતી. નવી ઇમારતોના પ્લાનિંગ કે કામગીરીમાં કોઈ ક્ષતિ હોય તો તેને અત્યારથી જ ઓળખી તેનું નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી હતી. ન્યુરો-કેન્સર સહિતની અદ્યતન સારવાર સુવિધાઓ તેમજ કિડની અને આંખના વિભાગોને વધુ સક્ષમ બનાવવાની દિશામાં પણ સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું.
સેનિટેશન, સ્ટ્રેચર અને પંખા જેવી સુવિધાઓની ચકાસણી
હોસ્પિટલમાં સ્ટ્રેચર, સેનિટેશન અને પંખા સહિતની પાયાની સુવિધાઓ અંગે મંત્રીએ સ્થળ પર માહિતી મેળવી હતી. મીડિયા દ્વારા હોસ્પિટલની સમસ્યાઓ સરકારના ધ્યાન પર લાવવામાં આવે છે તે સકારાત્મક બાબત હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે, મીડિયાના અહેવાલોને નકારાત્મક રીતે નહીં પરંતુ વ્યવસ્થામાં સુધારા માટેના મહત્વપૂર્ણ ઇનપુટ તરીકે જોવામાં આવે છે.
સીઝનલ વાયરલ રોગો પર આરોગ્ય વિભાગનું સતત મોનિટરિંગ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂ સહિતના સીઝનલ વાયરલ રોગોની સ્થિતિ અંગે મંત્રીએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ સમગ્ર રાજ્યમાં સતત મોનિટરિંગ કરી રહ્યો છે. સ્વાઇન ફ્લૂ અને અન્ય ચેપી રોગો અંગે નિયમિત સમીક્ષા બેઠકો યોજાઈ રહી છે. ચાંદીપુરા વાયરસના કેસોમાં પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ, કીટનાશક કામગીરી અને સેન્ડફ્લાય નિયંત્રણ સહિતના પગલાં લેવામાં આવ્યા છે.
‘વ્યવસ્થા સાથે સંવેદના અને વિકાસ સાથે માનવતા’
આરોગ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આરોગ્ય સેવા માત્ર નિયમો અને કાયદાઓ પૂરતી સીમિત નથી, પરંતુ માનવતાના અભિગમ સાથે જોડાયેલું ક્ષેત્ર છે. વિકાસ સાથે માનવતાના અભિગમ અને ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને કેન્દ્રસ્થાને રાખીને ગુજરાતમાં વધુ સંવેદનશીલ અને લોકકેન્દ્રિત આરોગ્ય વ્યવસ્થા ઊભી કરવા સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે અધિકારીઓને દર્દીઓની સુવિધા, હોસ્પિટલની વ્યવસ્થા અને આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં કોઈ ક્ષતિ ન રહે તે માટે જવાબદારીપૂર્વક કામગીરી કરવા સ્પષ્ટ સૂચના આપી હતી.
