અસંભાઉઉઉ – માનવ અને શ્વાનનો અતૂટ સંબંધ દર્શાવતી ગુજરાતી ફિલ્મ જન્માષ્ટમીએ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે

Spread the love

‘અસંભાઉઉઉ’માં પહેલીવાર શ્વાન સાથે ગુજરાતી ફિલ્મો માટે નવો અધ્યાય; અમદાવાદમાં ફિલ્મના કલાકારોની હાજરીમાં ભવ્ય ગ્રાન્ડ પ્રીમિયર યોજાયો

અમદાવાદ

ગુજરાતી સિનેમાની બહુપ્રતિક્ષિત ફિલ્મ અસંભાઉઉઉનો ભવ્ય ગ્રાન્ડ પ્રીમિયર અમદાવાદમાં યોજાયો હતો. આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જૅનૉક ફિલ્મ્સ દ્વારા આયોજિત આ ખાસ કાર્યક્રમમાં ફિલ્મ જગત સાથે જોડાયેલા કલાકારો, મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મની અનોખી વાર્તા અને શ્વાન સાથેના માનવીના લાગણીસભર સંબંધને કારણે ‘અસંભાઉઉઉ’ને લઈને દર્શકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે.

પરિવાર અને પાળતુ શ્વાન વચ્ચેના પ્રેમની વાર્તા

‘અસંભાઉઉઉ’ એક હૃદયસ્પર્શી પારિવારિક મનોરંજન ફિલ્મ છે, જેમાં પરિવાર અને તેમના પાળતુ શ્વાન વચ્ચેના પ્રેમ, લાગણી, વફાદારી અને અતૂટ બંધનને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં શ્વાનને માત્ર પાળતુ પ્રાણી તરીકે નહીં, પરંતુ પરિવારના અભિન્ન સભ્ય, મિત્ર અને લાગણીસભર સાથી તરીકે રજૂ કરવામાં આવ્યો છે. હાસ્ય, લાગણી અને માનવીય મૂલ્યોના સંયોજનથી ફિલ્મ એક અલગ પ્રકારનો સિનેમેટિક અનુભવ આપવાનો પ્રયાસ કરે છે.

કલાકારોના અભિનયથી ફિલ્મ વધુ રસપ્રદ બનશે

ફિલ્મમાં રૌનક કામદાર પોતાના સંવેદનશીલ અભિનયથી વાર્તામાં ઊંડાણ ઉમેરે છે. બીજી તરફ મિત્ર ગઢવી પોતાની કોમિક ટાઇમિંગ અને મજેદાર અભિનયથી દર્શકોને હસાવવાની ભૂમિકા ભજવે છે. શિવાની ભારદ્વાજ પોતાના સરળ અને અસરકારક અભિનયથી પાત્રને જીવંત બનાવે છે, જ્યારે તત્સત મુનશીનું પાત્ર ફિલ્મની વાર્તામાં રોમાંચ અને રસ વધારતું જોવા મળશે.

‘ભાઉ ભાઉ’ સોંગ બન્યું પ્રીમિયરનું આકર્ષણ

ફિલ્મનું લોકપ્રિય ‘ભાઉ ભાઉ’ સોંગ પણ ગ્રાન્ડ પ્રીમિયરમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ગીતની ચર્ચા અને તેની સાથે જોડાયેલી મસ્તીથી કાર્યક્રમમાં ફિલ્મી માહોલ સર્જાયો હતો. ‘ભાઉ ભાઉ’ ગીત માણસ અને શ્વાન વચ્ચેના ખાસ સંબંધને હળવા-ફૂલકા અને મનોરંજક અંદાજમાં રજૂ કરે છે. ફિલ્મના પ્રમોશનમાં પણ આ ગીતે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.

જન્માષ્ટમીએ દેશભરના થિયેટરોમાં થશે રિલીઝ

ગ્રાન્ડ પ્રીમિયર બાદ ‘અસંભાઉઉઉ’ને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધુ વધી છે. પરિવાર, મિત્રતા, કરુણા અને પાળતુ પ્રાણીઓ સાથેના લાગણીસભર સંબંધોને ઉજાગર કરતી આ ફિલ્મ તહેવારના માહોલમાં સમગ્ર પરિવાર માટે મનોરંજન પૂરું પાડવાનો પ્રયાસ કરશે. ફિલ્મમાં હાસ્ય સાથે લાગણીસભર ક્ષણો અને શ્વાન સાથે જોડાયેલા મજેદાર પ્રસંગો દર્શકોને થિયેટરમાં જકડી રાખશે. ‘અસંભાઉઉઉ’ જન્માષ્ટમીના શુભ પર્વ નિમિત્તે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *