નકલી અને ગેરકાયદેસર દવાઓ સામે ગુજરાતમાં ‘ઝીરો ટોલરન્સ’: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

Spread the love

FDCAની રાજ્યવ્યાપી કડક કાર્યવાહી: 50 દવા પેઢીઓના લાયસન્સ રદ, 2 ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર; રૂ.93.47 લાખનો 42,988 કિલોથી વધુ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત

ગાંધીનગર:

ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા ઓગસ્ટ-2026 દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલી કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી કડક કાયદેસરની કાર્યવાહી કરવા મંત્રીએ સૂચના આપી હતી.

50 દવા પેઢીઓના લાયસન્સ રદ

FDCAની સઘન તપાસમાં ગંભીર ક્ષતિઓ જણાતા 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે. રિસ્ક બેઝ્ડ ઈન્સ્પેક્શન હેઠળ 2 દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર, 8 ઉત્પાદક પેઢીઓના પરવાના સ્થગિત અને 11 દવાઓના બનાવટના પરવાના રદ કરાયા છે. લેબોરેટરી તપાસમાં અપ્રમાણસર જાહેર થયેલી 20 દવાઓના ઉત્પાદકો સામે કારણદર્શક નોટિસ આપી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નશાકારક અને બનાવટી દવાઓ સામે કાર્યવાહી

અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા ખાતે નશાકારક તથા બનાવટી દવાઓના ગેરકાયદેસર નેટવર્ક સામે તપાસ હાથ ધરાઈ છે. વડોદરાના વાઘોડિયામાં SOG સાથેની સંયુક્ત કાર્યવાહીમાં ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરી NDPS Act હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટીબાયોટિક દવાઓની ગુણવત્તા ચકાસવા વિશેષ ડ્રાઇવ દરમિયાન 588 નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

નકલી ‘Nicardia Retard 10’ની સપ્લાય ચેઈનનો પર્દાફાશ

‘Nicardia Retard 10’ની નકલી ટેબ્લેટના કેસમાં 30થી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી છે. આ દરમિયાન રૂ.1.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત અથવા પ્રતિબંધિત કરાયો છે. લખનઉથી અમદાવાદ અને સાણંદ સુધી વિસ્તરેલી સપ્લાય ચેઈન સામે તપાસ ચાલી રહી છે અને સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.

રૂ.93.47 લાખનો શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત

ઓગસ્ટ દરમિયાન 2,238થી વધુ ખાદ્ય વ્યવસાય એકમોની તપાસ કરી 2,591 જેટલા નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે લેવાયા હતા. દરોડા દરમિયાન તેલ, મરચાં પાઉડર, દૂધ અને અન્ય ખાદ્યચીજનો કુલ 42,988 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો, જેની કિંમત રૂ.93,47,134 જેટલી છે. પાટણમાં 14,709 કિલો તેલ, કામરેજમાં 5,157 કિલો ઘી, જામનગરમાં 7,138 કિલો દૂધ અને ડીસામાં 6,071 કિલો મરચાં પાઉડર જપ્ત કરાયું.

રેસ્ટોરન્ટ-ઢાબા અને ડેરી એનાલોગ પર પણ નજર

રાજ્યમાં 1,625થી વધુ રેસ્ટોરન્ટ અને ઢાબાનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ક્ષતિઓ બદલ 306 એકમોને સુધારણા નોટિસ અપાઈ, જ્યારે ગંભીર બેદરકારી બદલ 38 એકમો સામે લાયસન્સ રદ સહિતની કાર્યવાહી કરાઈ. ડેરી એનાલોગ અંગે 3,078 પેઢીઓની તપાસ કરી 145 નમૂનાઓ લેવાયા અને રૂ.7.54 લાખના 2,553.10 કિલો બિનગુણવત્તાયુક્ત જથ્થાનો નાશ કરાયો.

શ્રાવણ માસમાં દૂધ-ઘી-તેલ-મસાલા પર સતત વોચ

મંત્રી પાનશેરીયાએ પવિત્ર શ્રાવણ માસ અને તહેવારો દરમિયાન દૂધ, ઘી, તેલ અને મસાલા જેવી રોજિંદા વપરાશની વસ્તુઓની ગુણવત્તા પર સતત નજર રાખવા તંત્રને આદેશ આપ્યો છે. નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક તથા સલામત દવાઓ મળી રહે તે માટે રાજ્યવ્યાપી તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *