‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ની 26 ભલામણોના ઝડપી અમલીકરણ માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

Spread the love

ભલામણો કાગળ પર નહીં, જમીની સ્તરે પરિણામલક્ષી રીતે અમલમાં આવે તે જરૂરી: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

ગાંધીનગર:

રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવી છેવાડાના નાગરિકો સુધી ત્વરિત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના હેતુથી સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરિષદ દરમિયાન રજૂ થયેલી ૨૬ મુખ્ય ભલામણોના ઝડપી અમલીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ચેપી રોગોના નિયંત્રણ પર વિશેષ ભાર

બેઠક દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચેપી રોગોના નિયંત્રણ, માતા અને બાળ આરોગ્ય તેમજ માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય પરિષદમાં થયેલી ભલામણો માત્ર કાગળ પર સીમિત ન રહેવી જોઈએ. દરેક ભલામણ માટે ચોક્કસ એક્શન પ્લાન તૈયાર કરી તેનો પાયાના સ્તરે અસરકારક અમલ થાય અને તેના પરિણામો જોવા મળે તે જરૂરી છે.

‘ક્ષયમુક્ત’ તાલુકા-જિલ્લા બનાવવાનું લક્ષ્ય

ક્ષય રોગ અંગે ચર્ચા કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે ટીબીના દર્દીઓ દવાઓ નિયમિત લે તે સુનિશ્ચિત કરીને તાલુકા અને જિલ્લાઓને ‘ક્ષયમુક્ત’ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આગામી સમયમાં બાંધકામ તથા ઔદ્યોગિક સાઇટ્સ પર કામ કરતા શ્રમિકો માટે શ્રમ વિભાગના સહયોગથી ટીબી સ્ક્રીનિંગ કેમ્પ યોજવામાં આવશે. ટીબીના દર્દીઓમાં કુપોષણને કારણે થતા મૃત્યુ અટકાવવા જિલ્લાવાર એક્શન પ્લાન તૈયાર કરીને પોષણ સહાય પણ આપવામાં આવશે.

માતા અને કિશોરી આરોગ્ય માટે વિશેષ એક્શન પ્લાન

માતા અને કિશોરી આરોગ્યની સમીક્ષા દરમિયાન ચોમાસામાં પૂર કે અન્ય કુદરતી પરિસ્થિતિના કારણે અંતરિયાળ વિસ્તારો સંપર્કવિહોણા બને ત્યારે તાત્કાલિક આરોગ્ય સેવા મળી રહે તે માટે ખાસ રેફરલ પ્રોટોકોલ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ વિશેષ હેલ્થ એક્શન પ્લાન બનાવાશે. રાજ્યની આશ્રમશાળાઓમાં RBSK ટીમો દ્વારા તરુણ-તરુણીઓમાં આરોગ્ય અને પોષણ અંગે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

ગર્ભવતી માતાઓનું સઘન ટ્રેકિંગ કરાશે

બાળ આરોગ્ય સુધારવા તથા માતા-શિશુ મૃત્યુદર ઘટાડવા PHC અને CHC કેન્દ્રો દ્વારા ગર્ભવતી માતાઓનું શરૂઆતથી જ સઘન અને ચોક્કસ ટ્રેકિંગ કરવામાં આવશે. આ વ્યવસ્થાથી ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી સારવાર અને માર્ગદર્શન સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. શ્રમિક પરિવારો અને ગર્ભવતી માતાઓના ૧૦૦ ટકા રસીકરણ માટે વિશેષ ટ્રેકિંગ સિસ્ટમ ઊભી કરવા પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

અંધશ્રદ્ધા નહીં, તાત્કાલિક તબીબી સારવાર જરૂરી

ગ્રામીણ વિસ્તારોમાંથી મળેલા ફીડબેકની સમીક્ષા દરમિયાન મંત્રીએ સંવેદનશીલ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આસ્થા અને પૂજા-અર્ચનાનું પોતાનું સ્થાન છે, પરંતુ સગર્ભા માતા કે બાળકના આરોગ્યની ગંભીર સ્થિતિમાં અંધશ્રદ્ધાના કારણે સમય વેડફવો નહીં અને દર્દીને તાત્કાલિક નજીકના દવાખાને લઈ જઈ તબીબી સારવાર અપાવવી જોઈએ. આ અંગે ગ્રામ્ય સ્તરે વ્યાપક જનજાગૃતિ ફેલાવવા આરોગ્ય ટીમો અને સ્થાનિક વહીવટી તંત્રને ખાસ નિર્દેશ આપવામાં આવ્યા હતા.

વિભાગો વચ્ચે સંકલનથી છેવાડાના નાગરિકોને લાભ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે પંચાયત, મહિલા અને બાળ વિકાસ, શ્રમ તથા શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધીને આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પરિષદની ભલામણોનો અસરકારક અમલ કરીને રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાનો સરકારનો સ્પષ્ટ સંકલ્પ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *